Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

દેણુ વધી જતા પૂર્વ શેઠને મિત્ર દ્વારા ફોન કરાવ્‍યોઃ ‘ભાઇ કા આદમી બોલ રહા હું, એક ખોખે કા ઇન્‍તઝામ કર નહીં તો તુઝે ઔર તેરે પરિવાર કો માર દુંગા'

નવસારી એલસીબીએ સર્વેલન્‍સના આધારે અફઝેન અને તેના મિત્રની ધરપકડ કરી

નવસારીઃ રીયલ ટ્રેડર્સના અનલ મુલતાનીને એક કરોડ આપો નહીંતર તમને અને તમારા પરિવારને મારી નાખીશ, એવા ધમકીભર્યા ફોન આવતા એલસીબી પલીસને જાણ કરતા આજ પેઢીમાં ત્રણ વર્ષ પૂર્વે કામ કરતા અફઝેન અને તેના મિત્રની પોલીસે ધરપકડ કરી છે.

દેવુ વધી જતાં રાતોરાત રૂપિયા કમાવાનો કીમિયો વિચારી વિજલપોરના રૂના વેપારીને ત્યાં કામ કરતા પૂર્વ કર્મચારીએ પોતના મિત્ર સાથે ભાઈના નામે ફોન કરી, એક કરોડ રૂપિયાની ખંડણી માંગવાની વાતે શહેરમાં ચકચાર જગાવી હતી. ઘટનાની ફરિયાદ થતાની સાથે જ હરકતમાં આવેલી નવસારી LCB પોલીસે ટેક્નિકલ સર્વેલન્સને આધારે બંને આરોપીઓને ઝડપી પાડયા હતા.

નવસારી-વિજલપોર શહેરના ઉદ્યોગનગર ખાતે આવેલ રીગલ ટ્રેડર્સના અનસ મુલતાનીને ત્યાં 32 વર્ષીય અફઝેન મેમણ છેલ્લા ત્રણ વર્ષોથી નોકરી કરતો હતો. દરમિયાન અફઝેનને મૂત્રરોગ થતા 6 મહિના અગાઉ જ નોકરી છોડી હતી. સાથે જ તેના મિત્ર 24 વર્ષીય ઝૈદ શેખ પાસેથી ઓછીના લાખો રૂપિયા લીધા હતા. જેથી રાતોરાત રૂપિયા કમાવવાના વિચાર સાથે અફઝેને કરોડોનો કારોબાર કરતા પોતાના પૂર્વ શેઠ અનસ મુલતાનીને ધમકાવી રૂપિયા કમાવવાનો પ્લાન ઘડ્યો હતો.

જેમાં અફઝેને તેના નામથી અલગ સીમ કાર્ડ મેળવ્યુ હતુ અને બાદમાં તેના મિત્ર ઝૈદ શેખ પાસેથી શેઠ અનસને ફોન કરાવ્યો હતો. ઝૈદે ફોન કરી, ભાઈ કા આદમી બોલ રહા હું, ભાઈ કો પૈસે પહોચાને કે હૈ, એક ખોખે કા ઇન્તઝામ કર નહીં તો તુઝે ઔર તેરે પરિવાર કો માર દુંગા કહીને ધમકાવ્યો હતો. વારે વારે એક કરોડની ખંડણી માંગતા ધમકીભર્યા ફોન કરતા અનસ મુલતાનીએ વિજલપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ હરકતમાં આવેલી નવસારી LCB પોલીસની ટીમે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી તપાસ આરંભતા ધમકીભર્યા ફોન જે મોબાઈલ નંબર પરથી આવ્યો હતો એ અફઝેન મેમણનો હોવાનું ધ્યાને આવ્યા બાદ પોલીસે તેની અટક કરી હતી. પૂછપરછ કરતા તેણે તેના મિત્ર ઝૈદની મદદથી એક કરોડ રૂપિયાની માંગણી કરતા ફોન કર્યા હોવાની કબૂલાત કરતા પોલીસે ઝૈદ શેખને પણ પકડી, બંનેની ધરપકડ કરી હતી. સમગ્ર મુદ્દે પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી આગળની તપાસ આરંભી છે.

(5:34 pm IST)