Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

કાફેના નામે ચાલતા કપલ બોક્‍સનો પર્દાફાશઃ ‘અહિં કપલને એકાંત મળશે'નું બોર્ડ મારી સંચાલકો ચલાવતા હતા કપલ બોક્‍સ

ગ્રીષ્‍મા હત્‍યાકાંડ બાદ પોલીસ એકશન મોડમાં: પોશ અને યુવાઓથી ધમધમતા વિસ્‍તારમાંથી કપલ બોક્‍સ ઝડપી પાડયુ

વડોદરાઃ સુરતમાં થયેલ ગ્રીષ્‍મા હત્‍યાકાંડ બાદ રાજ્‍યભરની પોલીસ એકશન મોડમાં આવી ગઇ છે અને ઠેર-ઠેર ધમધમતા કપલ બોક્‍સ પર દરોડા પાડી બંધ કરાવવામાં આવી રહ્યા છે, જેથી યુવાધન આડા રસ્‍તે ચડે નહિં ત્‍યારે વડોદરાના ફતેગંજ વિસ્‍તારમાં ચાલતા કેફેમાં પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્‍યો હતો અને કાફેમાં ધમધમતા કપલ બોક્‍સને ઝડપી પાડવામાં આવ્‍યો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે, કેફે બહાર લખવામાં આવ્‍યુ હતું કે, ‘અહિં કપલને એકાંત મળશે.'

સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસ બાદ ગુજરાત પોલીસ કપલ બોક્સ માટે એક્ટિવ થઈ છે. રાજ્યભરના કેફેમાં ચાલતા કપલ બોક્સને બંધ કરાવવામાં આવી રહ્યાં છે. જેથી યુવા પેઢી બગડે નહિ. ત્યારે વડોદરામાં પોશ અને યુવાઓથી ધમધમતા વિસ્તારમાંથી કપલ બોક્સ પકડાયુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના ફતેગંજ વિસ્તારમાં મંગલ મૂર્તિ નામના એપોર્ટમેન્ટમાંથી કપલ બોક્સ પકડાયુ છે. ધ લંચ બોક્સ નામના કેફેમાં છેલ્લા ચાર મહિનાથી કપલ બોક્સ ધમધમતુ હતુ. ત્યારે સયાજીગંજ પોલીસે રેડ કરી કપલ બોક્સમાથી 7 યુગલોને પકડયા હતા. સાથે જ કપલ બોક્સના સંચાલકો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો છે.

આ કેફેના દરવાજા પર યુવા પેઢીને આકર્ષક લખાણ લખવામાં આવ્યુ હુત. કાફેના દરવાજા પર ‘અહી કપલને એકાંત મળશે’ તેવુ લખાણ લખાયુ હતું. એટલુ જ નહિ, કેફેમા કપલ પાસેથી 1 કલાકના 250 રૂપિયા વસૂલવામાં આવતા હતા. રોજના 20 થી 25 કપલ આ કાફેની મુલાકાત લેતા હતા. આમ, કપલ બોક્સના સંચાલકો આ થકી હજારો રૂપિયાની કમાણી રોજ કરતા હતા.

ઉલ્લેખનીય છે કે, પ્રેમી પંખીડાઓ માટે પ્રાઈવસી આપવામાં આવતી હોવાની અને તેમાં નશાના સેવનથી સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ સંભવ હોવાની આશંકાને પગલે પોલીસે દરોડો પાડી કાર્યવાહી કરી હતી. પોલીસે દરોડા બાદ કાફે નું સંચાલન કરતા સાગર પોલાભાઈ રાવલીયા તેમજ સંચાલક ચેતન પાછા ભાઈ હડિયાની અટકાયત કરી હતી.

(5:29 pm IST)