Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

સુરતમાં પહેલીવાર સરકારી ચોપડે કોરોનાથી ૨૫ મોત પણ સિવિલ-સ્મીમેરમાં જ ૧૧૩ દર્દીના મૃત્યુ

રાજકોટ,તા. ૧૪: સુરતમાં સરકારી ચોપડે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક ૨૫ મોત નોંધાયા હતા.ગત વર્ષે જુલાઈ મહિનામાં સહુથી વધુ ૨૨ દર્દીના એક જ દિવસમાં મોત નિપજયા હતા.જોકે આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં ૯૧ અને સ્મીમેરમાં ૨૨ મળી ૧૧૩ મોત નોંધાયા હતા. મંગળવારે શહેર જિલ્લામાં કોરોનાના નવા ૧૪૪૧ કેસ સામે આવ્યા હતા જે પૈકી જિલ્લામાંથી ૧૭૭ કેસ નોંધાયા હતા. નવા કેસનો ઉમેરો થતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૭૭,૮૫૭ પર પહોંચી ગઈ છે.મંગળવારે શહેરમાં ૬૧૭ અને જિલ્લામાં ૧૭૧ લોકો મળી કુલ ૭૮૮ લોકોને સાજા થતાં અત્યાર સુધીમાં કુલ ૬૯૫૩૯ લોકો સાજા થઇ રજા લઈ ચુકયા છે.હાલ શહેર જિલ્લામાં કુલ ૬૯૯૧ એકિટવ કેસ છે. સરકારી હોસ્પિટલમાં ૧૩૨૦ દર્દીઓ ગંભીર હાલતમાં છે.

દિવસમાં ૪ નવાં સ્મશાન કાર્યરત કરવાં પડ્યાં

સુરત શહેરમાં પોઝિટિવિટી રેટ વધી રહ્યો છે, જોકે પાલિકાનો દાવો છે કે હાલમાં પોઝિટિવિટી રેટ ૬થી ૮ ટકા છે, પરંતુ ઉચ્ચ અધિકારીનાં સૂત્રોનું કહેવું છે કે પોઝિટિવિટી રેટ ૨૫ ટકા છે. આનો અર્થ એ થાય છે કે દર ૧૦૦ વ્યકિતએ પાંચમી વ્યકિત કોરોનાગ્રસ્ત છે. રોજ શહેરમાં કોરોનાના કેસ એક નવો રેકોર્ડ બનાવે છે અને વધતા દર્દીઓની સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. સરકારી ચોપડે માત્ર સિવિલ હોસ્પિટલ અને સ્મિમેર હોસ્પિટલના આંકડા જ જાહેર કરવામાં આવે છે, પરંતુ ખાનગી હોસ્પિટલોમાં રોજના કેટલા લોકોનાં મૃત્યુ થાય છે એનો કોઈ આંકડો જાહેર કરવામાં આવતો નથી.

(3:44 pm IST)