Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

નર્મદાના સાગબરા તાલુકાના દેવમોગરામાં મહાશિવરાત્રીના દિવસે શિવજીના બદલે શક્તિ માતાજીનું પૂજન-અર્ચન

નર્મદાઃ આજે સર્વત્ર મહાશિવરાત્રી પર્વની ઉજવણી થઇ રહી છે ત્યારે નર્મદામાં શક્તિ માતાજીની પૂજાનું આયોજન કરાયુ હતું.

 

આજે ગુજરાતમાં શિવરાત્રીના મહાપર્વના દિવસે શિવજીની પૂજા થતી હોય છે. ત્યારે નર્મદાના સાગબરા તાલુકામાં આવેલ દેવમોગરામાં શિવની નહી પરંતુ આજે શક્તિની પૂજા કરવામાં આવે છે.

શિવરાત્રીથી શરૂ થતાં પાંડોરી માતાજીનો 5 દિવસનો મેળો ભરાય છે. ગુજરાત સહિત ચાર રાજયોમાંથી લાખો આદિવાસી શ્રદ્ધાળુઓ અહી આવે છે. શક્તિની આકરી બાધા રાખે છે.

પાંડોરી માતાજીનું મંદિર સાગબારાના રાજવી પરિવાર દ્વારા બનાવાયું હતું. શિવરાત્રિના દિવસે રાજવી પરિવાર પૂજા કરે છે. ગુજરાતભરના આદિવાસીઓ અહી આવે છે.

નૈવેધમાં લોકો નવા વાંસમાંથી બનાવેલી ટોપલીમાં ઉગેલુ અનાજ, બકરો, મરઘી, દેશીદારૂ સહિત માતાજીને પ્રસાદરૂપી ચઢાવે છે. મોટી સંખ્યામાં આદિવાસીઓ શિવરાત્રીના દિવસે પૂજા કરે છે.

દેવમોગરા માતાજીએ આદિવાસીઓની કુળદેવી છે અને અહીં મહાશિવરાત્રીનો માતાજીનો મેળો ભરાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને અન્ય રાજયોમાંથી આદિવાસીઓ સાથે અન્ય લોકો માતાજીના મેળામાં દર્શનાર્થે આવે છે. આદિવાસીઓ બળદગાડામાં બેસી પરંપરાગત ઘરેણા અને વસ્ત્રો પરીધાન કરી મેળો માણવા આવતા હોવાથી મેળામાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી જોવા જેવી હોય છે. મેળામાં રાતે અલગ અલગ ગામના આદિવાસી રોડાલી નામક નાચ-ગાન કરે છે.

દેવમોગરા માતાજીના મંદિરે લાઈનબધ્ધ શિસ્તબધ્ધ ઉભા રહીને ભકતો દેવમોગરા માતાજીના દર્શન કરે છે. દેવમોગરા માતાજીના મંદીરે ડુંગરોમાં રાત્રી રોકાણ કરે છે. કુટુંબ કબીલા સાથે આવેલા આદિવાસીઓ ચુલાઓ બનાવીને સળગાવીને રાંધીને ખાય છે. રાત્રે જયારે ચુલા સળગતા હોય છે ત્યારે અનેરાં દ્રશ્યો સર્જાય છે. દેવમોગરા માતાજીના મંદિરની આસપાસ વિવિધ પ્રકારની ચીજવસ્તુઓની દુકાનો મંડાય છે. આદિવાસી વસ્ત્રો પરિધાન કરેલા આદિવાસીઓ મેળામાં મહાલે છે. જાણે આદિવાસી સંસ્કૃતિ સોળે કલાએ ખીલી ઉઠી હોય, બોલી ઉઠી હોય એવાં દ્રશ્યો સર્જાય છે.

(5:58 pm IST)