Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

રાજયના નવા મંત્રીમંડળમાં ત્રણ -ચાર મહિલાઓ સહીત 25 પ્રધાનો બનવાની શક્યતા : બે દિવસમાં શપથવિધિ

કેટલાંક સીનીયર મંત્રીઓને હટાવીને નવા ચહેરા તથા જ્ઞાતિના સમીકરણને ધ્યાનમાં લેવામાં આવ્યા હોવાની સંભાવના

અમદાવાદ :ગુજરાતના નવા મુખ્યમંત્રી પદનો ચાર્જ આજે ભૂપેન્દ્રભાઈ પટેલે સંભાળી લીધો છે. તેઓ મુખ્યમંત્રી પદે બિરાજતાં જ હવે નવા મંત્રીંમંડળની રચનાથી માંડીને વિસ્તરણમાં કોણ કોણ હશે તેની ચર્ચા શરૂ થઇ જવા પામી છે. હાલના મંત્રીમંડળમાં રહેલી સંખ્યા કરતાં વધુ એટલે કે 20થી 25નું થાય તેવી શક્યતાઓ છે. એટલું જ નહીં પરંતુ આ મંત્રીમંડળના નામોથી માંડીને નવા મંત્રીઓની શપથવિધિ આગામી બે દિવસમાં પૂર્ણ કરવામાં આવે તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવા મંત્રીમંડળમાં વધુ મહિલાઓને સ્થાન મળે તેવી ભીતિ સેવાઇ રહી છે. મતલબ કે ત્રણથી વધુ મહિલાઓને સમાવવામાં આવે તેવી સંભાવના રહેલી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમીતભાઈ  શાહ સાથે નવનિયુક્ત મુખ્યમંત્રી સહિત ભાજપના પ્રદેશ પ્રમુખ વચ્ચે બેઠક યોજાઇ હતી. આજે સાંજે પણ અમીતભાઈ  શાહના બંગલે બેઠક યોજાઇ હોવાની માહિતી મળવા પામી છે. આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે. જો કે તેમાં ઓખા નગરપાલિકા અને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને ચર્ચા થશે. પરંતુ તેની સાથોસાથ મંત્રીમંડળ અંગેનો મુદ્દો પણ ચર્ચામાં રહે તેવું સૂત્રોએ જણાવ્યું છે.

હાલના મંત્રીમંડળમાંથી નીતિનભાઈ  પટેલ, ભૂપેન્દ્રસીંહ ચુડાસમા તથા વિભાવરીબેન દવેને પડતા મૂકવામાં આવે તેવી શક્યતા દેખાઇ રહી છે. નીતિનભાઈ  પટેલને રાજયપાલ તરીકે તથા ભૂપેન્દ્રસીંહને વિધાનસભાના અધ્યક્ષ તરીકે મૂકવામાં આવે તેવી અટકળો વહેતી થઇ છે. જયારે કૌશિક પટેલ નાદુંરસ્ત તબિયતના કારણે તેઓને દૂર કરવામાં આવે તેવી સંભાવનાઓ છે. તેની સામે સૌરભ પટેલ, પ્રદિપસીંહ જાડેજાનું કદ વધારવામાં આવે તથા નવા મંત્રીમંડળમાં હાલના વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ઉપરાંત નવા ચહેરાઓ તથા જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં લેવામાં આવશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

નવા મંત્રીમંડળમાં ત્રણેક મહિલાઓને સ્થાન આપવામાં આવે જેમાં મનીષાબેન વકીલ, સંગીતાબેન પાટીલ, ડો. નીમાબેન આચાર્ય તથા ચોર્યાસીના મહિલા ધારાસભ્યનું નામ ચર્ચામાં છે.

(12:13 am IST)