Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

અમદાવાદ મનપા હવે જાગ્યું : શહેરના 37 તળાવોની સફાઈ કરવાના નામે 45 લાખના ખર્ચની દરખાસ્ત મૂકી

હવે ચોમાસાના પૂર્ણતાના દિવસોએ તળાવોની ઘાસ, લિલ અને ઉગેલી વનસ્પતિ દૂર કરશે

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ ખાતાના અણધડ આયોજનની પોલ ખોલતી એક દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટીમાં મૂકવામાં આવી છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના 37 તળાવોની સફાઇના નામે ઘાસ, લીલ અને તળાવના ઢાળ ઉપર ઉગેલી વનસ્પતિને દૂર કરવાના નામે 45 લાખનો ખર્ચ કરવાની દરખાસ્ત મુકી છે. જાણકારો એવું કહે છે કે, ચોમાસની શરુઆત પહેલાં તમામ તળાવોની સફાઇ કરવી જોઇએ જેથી વરસાદના શુદ્ધ પાણીનો તળાવોમાં સંગ્રહ કરી શકાય પણ હવે ચોમાસું પૂર્ણ થવા આવ્યું છે ત્યારે AMCના હેલ્થ ખાતાને તળાવોની સફાઇ યાદ આવી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની અગામી ગુરુવારે મળનારી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં દરખાસ્ત મુકવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સાત ઝોનના જુદા-જુદા 37 તળાવોમાંથી તરતો કચરો/લીલ/વેલ/ઘાસ તથા તળાવના ઢાળ ઉપર ઉપરથી બિનજરુરી વેજીટેશન દૂર કરવાનો વાર્ષિક ધોરણે કોન્ટ્રાક્ટ આપવાની કામગીરી કરવામાં આવી હતી. એક વર્ષનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઇ ગયો છે હવે વાર્ષિક કોન્ટ્રાક્ટ કરનારી બે સંસ્થાઓને ફરી ત્રણ મહિના માટે કામ આપવાની દરખાસ્ત મુકવામાં આવી છે જેમાં અગામી ત્રણ મહિના માટે જુના ટેન્ડર મુજબ કામ આપાવની દરખાસ્ત છે જેમાં કામગીરી શરૃ થયાથી પ્રથમ 60 દિવસમાં એકવાર તમામ તળાવોની સફાઇ કરવાની રહેશે.

પ્રથમ ત્રણ મહિના અથવા તો નવું ટેન્ડર મંજુર ન થાય ત્યાં સુધી આ બે સંસ્થાને કામ સોંપવામાં આવશે અહીં પ્રશ્ન ઉઠે છે કે, ચોમાસા પહેલાં 37 તળાવોની સફાઇ કરવી અનિવાર્ય હોય છે પણ હવે ચોમાસા બાદ તળાવોની સફાઇ કેમ યાદ આવી રહી છે તે પ્રશ્ન છે.

(11:39 pm IST)