Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

વડોદરાના ગોત્રી સહીત સમા વિસ્તારમાં બંધ મકાનોના તાળા તૂટતાં પોલીસતંત્ર સજાગ

વડોદરા: શહેરમાં બંધ મકાનોના તાળાં તૂટવાના બનાવવાનો સિલસિલો જારી રહેતાં નગરજનો અસલામતીની લાગણી અનુભવી રહ્યા છે.

ગોત્રીના મહિનગર ખાતે રહેતા અને વેપારી વાલજીભાઈ સાવરીયાએ પોલીસને કહ્યું છે કે, 10મીએ સાંજે હું પરિવાર સાથે જાપાનેર દરવાજા પાસે રહેતા મારા ભાઈને ત્યાં ગયો હતો તે દરમિયાન તા 11મીએ બપોર સુધીમાં અમારા મકાનના તાળા તૂટ્યા હતા.

એક સંબંધીએ જાણ કરતાં અમે મકાને તપાસ કરવા આવ્યા હતા. જે દરમિયાન મુખ્ય દરવાજાની જાળીને મારેલું તાળું અને નકુચો તૂટેલા જણાયા હતા. ચોરો લાકડાની તિજોરી અને બેડરૂમની તિજોરીનો સામાન વેરવિખેર કરી 3 તોલાથી વધુ વજનનું સોનાના દાગીના, ચાંદીના દાગીના અને રોકડા રૂ.50 હજાર મળી રૂ. અઢી લાખ ઉપરાંતની મત્તા ચોરી ગયા હતા. ગોત્રી પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં હરણી સમા રોડ ઉપર આવેલા રોઝ લેન્ડ રેસીડેન્સીના મકાન નંબર સી 101 માં ત્રાટકેલા તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા છે. મકાનમાલિક હાલ નાસિક ગયા હોય તેઓના આવ્યા બાદ ચોક્કસ માહિતી બહાર આવશે. હાલ સમાં પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

(5:56 pm IST)