Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

સુરતના માનદરવાજા વિસ્તારમાં શાકભાજીની લારી ચલાવતા યુવાન પર નજીવી બાબતે થયેલ ઝઘડાની અદાવત રાખી હુમલો કરવામાં આવતા ગુનો દાખલ

સુરત: શહેરના માનદરવાજા પદમાનગર પાસે શાકભાજીની લારી ચલાવતા યુવાન પર બે દિવસ અગાઉ બે સ્થાનિક યુવાનોએ સામાન્ય ઝઘડામાં તલવારથી હુમલો કરતા યુવાનની હાથની આંગળી કપાઈ ગઈ હતી. યુવાનના માસીયાઈ ભાઈએ તેને બચાવવા પ્રયાસ કરતા બંનેએ તેના પેટ પર પણ તલવાર અડાડી વચ્ચે નહીં પડવા ધમકી આપી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના માનદરવાજા પદમાનગર ગલી નં.17 ઘર નં.930 માં રહેતો 20 વર્ષીય સોયેબ ઇમરાનખાન પઠાણ માનદરવાજા ખાતે શાકભાજીની લારી લઈ ઉભો રહે છે. ગત શનિવારે સવારે 11.45 કલાકે તે તેના માસીયાઈ ભાઈ રઈશ શેખ અને આસીફ શેખ સાથે માનદરવાજા ખાડી પાસે નવા રોડ પર ઉભો હતો ત્યારે તેના મહોલ્લામાં રહેતા ભૂષણ અને ગુડિયા સોનવણે તેમની પાસે આવ્યા હતા. ગુડિયાએ સોયેબને તું મેરે છોટે કો મારેગા? તેમ કહી ગાળો આપતા તેમની વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. ત્યારે ભૂષણ સોયેબને જાનથી મારી નાંખવાની ધમકી આપી ચાલ્યો ગયો હતો. અડધો કલાક બાદ ભૂષણ અને ગુડિયા સોનવણે ત્યાં તલવાર લઈ આવ્યા હતા અને ભૂષણે તલવારથી સોયેબ પર હુમલો કરતા તેણે બચવા જમણો હાથ આડો કર્યો તો તેના જમણા હાથની છેલ્લી આંગળી કપાઇ ગઈ હતી.

(5:55 pm IST)