Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના બામણગામ નજીક દૂધના ટેન્કરની ટક્કરથી મહિલાનું મોત:યુવાન ઈજાગ્રસ્ત

આણંદ:જિલ્લાના આંકલાવ તાલુકાના બામણગામ પાસે દૂધના ટેન્કરની ટક્કરથી એક મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે યુવાન ઘાયલ બન્યો હતો. બામણગામ ગામનો યુવાન પોતાની માસીને લઇને મોસાળ જવા નીકળ્યો હતો ત્યારે રસ્તામાં જ કાળ ભરખી ગયો હતો. 

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં બામણગામના હાથીદેવજીનો ટેકરો વિસ્તારમાં રહેતા રસિકભાઇ મણીભાઇ પઢીયાર (ઉં.વ.૨૮) બપોરે બાર વાગ્યેની આસપાસ પોતાની માસીને લઇને મોસાળ જવા માટે નીકળ્યાં હતા. તેઓ બામણગામથી નારપુરા ગામની સીમમાં સિંગલ પટ્ટી રોડ ઉપર પહોંચ્યા હતા ત્યારે દાવોલ નજીક સામેથી આવી રહેલા દૂધના એક ટેન્કર ચાલકે ગફલત રીતે ટેન્કર હંકારી મોટર સાઇકલને ટક્કર મારી હતી. 

ટેન્કરની ટક્કરથી લીલાબેન સોમાભાઇ પઢીયાર નીચે પટકાયા હતા અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. અને બાઇક ચાલક યુવાનને પણ ઇજાઓ થઇ હતી. આ બનાવ અંગે ૧૦૮માં જાણ કરાતાં લીલાબેનને આંકલાવ સરકારી દવાખાનામાં લઇ જવામાં આવ્યાં હતા. 

જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. બનાવ અંગે યુવાને દૂધના ટેન્કર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

(5:53 pm IST)