Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

આણંદ જિલ્લાના તારાપુર-ખંભાત તાલુકામાં નદીમાં રહેણાંક વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા રહીશોને હાલાકી

આણંદ:જિલ્લાના તારાપુર-ખંભાત તાલુકામાંથી વહેતી સાબરમતી નદીમાં અમદાવાદની ઔદ્યોગિક વસાહતો તથા માર્ગમા આવતા ગ્રામ્ય-રહેણાંક વિસ્તારોમાંથી કેમિકલયુક્ત દુષિત પાણી તેમજ સેન્દ્રિય પદાર્થો, નકામો કચરો નાંખવામા આવતો હોઇ પાણીમાં અસહ્ય પ્રદુષણ ફેલાયુ છે. 

 

પરિણામે કાંઠાગાળાના ગ્રામ્ય વિસ્તારોમાં ફુલો, ડાંગર સહિતના ખેતીકાર્યો માટે મુશ્કેલી સર્જાવા સહિત પાણીની જીવસૃષ્ટિ સામે પણ જોખમ તોળાયુ છે.

જિલ્લામાથી પસાર થતી સાબરમતી નદી દિન-પ્રતિદીન વધુને વધુ પ્રદુષિત થઇ રહી છે. જેને કારણે તારાપુર-ખંભાત તાલુકાના ખડા,મોટા કલોદરા, સાંસેજ, રીઝા, નભોઇ, જાફરગંજ, ફત્તેપુરા, ગલીયાણા, તરકપુર સહિતના કાંઠાગાળાના ગ્રામ્ય વિસ્તારોની ખેતીલાયક જમીનો ઉપર ધીરે-ધીરે પ્રદુષણ ફેલાવાની ભીતિ સેવાઇ રહી છે. પરિણામે કેટલાક ગ્રામ્ય વિસ્તારોમા ફુલો, શાકભાજી તેમજ ડાંગરની ખેતીમા પણ દુષિત પાણીને લઇને વિપરીત અસર સર્જાઇ રહી છે. જેમા જે-તે પાકનો યોગ્ય ઉછેર ન થવા સહિત તેની ગુણવત્તા અને ઉત્પાદનશક્તિમા ઘટાડો થવાની પણ શક્યતાઓ સેવાઇ રહી છે. સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોના ગાય, ભેંસ સહિતના પશુઓ પણ પીવા માટે નદીના પાણીનો ઉપયોગ કરતા હોઇ તેઓના સ્વાસ્થ્ય સામે પણ જોખમ તોળાઇ રહ્યુ છે. 

(5:53 pm IST)