Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ભૂપેન્દ્રભાઇ પટેલને CM બનાવીને ભાજપે મોટી વોટ બેન્ક પર નિશાન સાધ્યું: રિસાયેલા પાટીદારો ખુશ થશે?

ગુજરાતમાં લાંબા સમયથી પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટીથી ખુશ નથી : વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ભૂપેન્દ્રભાઇ પટેલને મુખ્યમંત્રી બનાવતા કડવા પાટીદાર વોટબેન્ક મજબૂત થશે?

અમદાવાદ, તા.૧૩: ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તે સીટ પરથી ધારાસભ્ય છે જયાં એક સમયે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ધારાસભ્ય હતા. ભૂપેન્દ્રભાઇ પટેલને આનંદીબેન પટેલના ખાસ માનવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર પણ તેમની મજબૂત પકડ છે. ભૂપેન્દ્ર પટેલને તેમના સમર્થકો દાદાના નામથી ઓળખે છે. તેઓ વિધાનસભાની ચૂંટણી લડતા પહેલા સ્થાનિક રાજનીતિમાં સક્રિય હતા અને અમદાવાદની મેમનગર નગરપાલિકાના સભ્ય હતા અને બે વાર અધ્યક્ષ પણ બન્યા.

ભૂપેન્દ્રભાઇ પટેલે નગર પાલિકા સ્તરના નેતાથી લઈને રાજયની રાજનીતિમાં ઉચ્ચ પદ સુધીનો રસ્તો કાપ્યો છે. ભૂપેન્દ્રભાઇ પટેલને અંદાજો નહોતો કે તેમને મુખ્યમંત્રી બનાવવાના છે. તેઓ બેઠકમાં પણ પાછળની સીટ પર બેઠા હતા. ભૂપેન્દ્રભાઇ પટેલે પોતાના નામની જાહેરાત થયા પછી જણાવ્યું કે, મારા પર જે વિશ્વાસ કરવામાં આવ્યો છે તેને હું તૂટવા નહીં દઉ અને વિકાસના કામને આગળ વધારીશ.

ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્રભાઇ પટલે કડવા પાટીદાર છે. તે પાટીદાર સમાજના સામાજીક-આર્થિક વિકાસને સમર્પિત સંગઠન સરદારધામ વિશ્વ પાટીદાર કેન્દ્રના ટ્રસ્ટી પણ છે. તેમને મુખ્યમંત્રી બનાવીને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના પાટીદાર સમાજને રીઝવવાનો પ્રયત્ન કર્યો છે. ભારતીય જનતા પાર્ટી આગામી ચૂંટણી માટે પાટીદાર વોટ બેન્કને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહી છે. નોંધનીય છે કે અત્યારે પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટીથી ખુશ નથી. ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું ઘણું વર્ચસ્વ છે. પાછલા થોડાક સમયથી લાગી રહ્યું છે કે પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટીથી દૂર થઈ રહ્યો છે.

ભૂપેન્દ્રભાઇ પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી થયા પછી ચર્ચા થઈ રહી છે કે ચૂંટણી પહેલા પોતાની વોટ બેન્કને મજબૂત કરવા માટે પટેલ સમાજમાંથી મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવી છે. જયારે વિજયભાઇ રુપાણીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યું તો તે પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ એક કાર્યક્રમમાં પાટીદાર સમાજના વખાણ કરતા કહ્યુ હતું કે, પાટીદાર સમાજે વેપાર ક્ષેત્રમાં દેશને હંમેશા એક નવી ઓળખ આપી છે.

૨૦૧૭માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભૂપેન્દ્રભાઇ પટેલે કોંગ્રેસ ઉમેદવાર શશિકાંત પટેલને લગભગ એક લાખ ૧૭ હજાર વોટથી હરાવ્યા હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર ભૂપેન્દ્રભાઇ પટેલ વિરુદ્ઘ કોઈ ક્રિમિનલ કેસ પણ નથી. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે મુખ્યમંત્રી બદલવા પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ માત્ર મુખ્યમંત્રી બદલ્યા છે, પરંતુ ગુજરાતના સાડા છ કરોડ લોકોએ સરકાર બદલવાનું મૂડ બનાવી લીધું છે. હાર્દિકે દાવો કર્યો છે કે, સંઘ અને બીજેપીના આંતરિક સર્વેમાં હાર મળતી જોઈને રુપાણીની ખુરશી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં હવે ૧૫ મહિનાથી પણ ઓછો સમય બાકી છે.

(3:47 pm IST)