Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

જુનમાં યુવકના આપઘાત બાદ પોલીસને સુસાઈડ નોટ મળી

સુસાઈડ નોટ મળ્યા બાદ પત્ની સામે ગુના દાખલ :ઙ્મ મૃતકે ચિઠ્ઠીમાં આક્ષેપ કર્યો છે કે, તેની પત્નીને અન્ય કોઈ સાથે આડા સબંધ છે અને તેના લીધે ઝગડા કરતી હતી

અમદાવાદ,તા.૧૨ : શહેરના વાસણા વિસ્તારમાં ગત જૂન માસમાં એક પરિણીત પુરુષે આપઘાત કર્યો હતો. આ કેસમાં હવે પુરાવાના આધારે ગુનો નોંધાયો છે. મૃતકે આપઘાત કર્યા બાદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. બાદમાં તપાસ દરમિયાન પોલીસને એક ચિઠ્ઠી અને મૃતકની પુત્રીના ચોપડામાં તેની આપવીતી લખેલી મળી આવી હતી. જેના આધારે પોલીસે મૃતકની પત્ની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃતકે ચિઠ્ઠીમાં આક્ષેપ કર્યો છે કે, તેની પત્નીને અન્ય કોઈ સાથે આડા સબંધ છે અને તેના લીધે ઝગડા કરી ત્રાસ આપતી હતી. પરિણીત પુરુષને આપઘાત નહોતો કરવો પણ ત્રાસ સહન ન થતા તે આપઘાત કરી બેઠો અને મોતનું કારણ તેની પત્ની હોવાનું જણાવી તેને ન્યાય મળે અને પત્નીને સજા મળે તેવું આ ચિઠ્ઠીમાં લખી મોતને વ્હાલું કર્યું હતું. સમગ્ર બાબતે હવે વાસણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

      શહેરના વાસણામાં રહેતા વિમળા બહેન ડોડીયા તેમના પરિવાર સાથે રહે છે અને તેઓ ત્રણ ભાઈ બહેન છે. જેમાં ભાઈ કમલેશના લગ્ન પંદરેક વર્ષ પહેલાં રેખા સાથે થયા હતા.  તેઓને સંતાનમાં ત્રણ બાળકો છે. રેખા તેના પતિ સાથે વાસણામાં રહેતી હતી. પણ બાદમાં તે અવાર નવાર તેના પતિ સાથે નાની નાની બાબતોમાં ઝગડો કરતી હતી. જેથી આ કમલેશભાઈ દારૂની લતે ચઢી ગયા હતા. જ્યારે આ કમલેશભાઈ તેમના બહેનના ઘરે જતા ત્યારે તે વિમળા બહેનને જણાવતા કે, તેમની પત્ની રેખાને કોઈ મુસ્લિમ યુવક સાથે આડા સંબંધો છે. પણ જો તે બાબતે તે વાત કરે તો તેની સાથે ઝગડો કર્યા કરે છે. જેથી વિમળા બહેન અવાર નવાર બંનેને આવું ન કરવા સમજાવતા હતા. ગત ૨૪ મી જુનના રોજ કમલેશ ભાઈની પત્ની ઝગડો કરી બાળકો સાથે પિયર જતી રહેવાનું કહી તકરાર કરતી હતી. જેથી બે ટાઈમ જમવા માટે કમલેશ ભાઈ વિમળા બહેનના ઘરે જતા હતાં. બાદમાં ૨૭મીએ વિમળા બહેનની બહેન ચા પીવા કમલેશભાઈને તેમના ઘરે બોલાવવા ગઈ હતી. જોકે દરવાજો ખખડાવતા કમલેશભાઈએ દરવાજો ખોલ્યો નહોતો. જેથી વિમળા બહેન સહિતના લોકોને જાણ કરતા બધા ત્યાં પહોંચ્યા હતા. દરવાજો તોડીને જોયું તો ઉપરના માળે કમલેશભાઈ છતના હુકમાં ફાંસો ખાઈ આપઘાત કરી બેઠા હતા. તાત્કાલિક પોલીસને જાણ કરતા વાસણા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનું પીએમ કરાવી અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન જ્યાં કમલેશભાઈએ સ્યુસાઇડ કર્યું હતું ત્યાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી.

          જે ચિઠ્ઠી માં *હું કમલેશ વાળા આત્મહત્યા કરું છું. તેમાં એક માત્ર મારી પત્ની અને તેનો લવર સામેલ છે. છેલ્લા ત્રણ મહિનાથી રાત્રી દિવસે મને ધમકી મળે છે. રેખાના ફોન ઉપરથી તેની ફોન હિસ્ટ્રી ચેક કરો એટલે તેનો લવર મળી જશે. મારી તમને ન્યાય મળે તેવી સરકાર પાસે આશા રાખું છું.* જે ચિઠ્ઠી પરિવારજનોએ પોલીસને આપી હતી. બાદમાં પરિવારજનોને કમલેશભાઈ ની દીકરી ના ચોપડા માં કમલેશભાઈએ પોતાની આપવીતી લખી હતી. જેમાં *હું કમલેશભાઈ લક્ષમણ ભાઈ વાળા આજે આત્મહત્યા કરું છું. મારી મોતનું કારણ મારી ઘરવાળી છે મને ખુબ જ માનસિક ત્રાસ આપે છે મારે મરવું નથી પણ તેના કારણે હું આજે આત્મહત્યા કરું છું. એને માફ ન કરતા અને પુરી સજા આપજો..મને ન્યાય આપજો એના ફોન કોલ રેકોર્ડ તપાસજો બધી ડિટેઇલ મળી જશે. હું આજે મરી જવું છું મારા રોનકનું ધ્યાન રાખજો.* આ ચોપડામાં મળેલુ લખાણ પણ પરિવારજનોએ પોલીસને સોંપતા હવે તપાસ બાદ વાસણા પોલીસે રેખા સામે દુષપ્રેરણા નો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(9:32 pm IST)