Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

હર ઘર તિરંગા અભિયાનમાં હોંશે હોંશે જોડાતા વિરમગામના નાગરિકો : વિરમગામ શહેરી અને ગ્રામીણ વિસ્તારના લોકો રંગાયા દેશભક્તિના રંગે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દુકાનો, રહેણાંક, કોમર્શિયલ કોમ્પ્લેક્સ પર લહેરાયા તિરંગા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન  નરેન્દ્રભાઈ  મોદીના આહ્વાનને પગલે હર ઘર તિરંગા અભિયાનની સમગ્ર દેશમાં ગૌરવભેર ઉજવણી કરવામાં આવી રહી છે.લોકો ઉત્સાહપૂર્વક પોતાના ઘર પર,ધંધા વ્યવસાયના સ્થળે તિરંગો લહેરાવી આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે. સમગ્ર દેશ અને ગુજરાત રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મગ્ન બન્યું છે ત્યારે વિરમગામ સહિત અમદાવાદ જિલ્લો આઝાદીના અમૃત મહોત્સવના રંગમાં રંગાઈ ગયો છે.
વિરમગામ શહેરના વિવિધ વિસ્તારના રહેવાસીઓએ ઘરના આંગણામાં, બાલ્કની, આગાશીઓ પર તિરંગો ફરકાવ્યો છે. સાથોસાથ નાના મોટા વેપારીઓએ પણ કાર્યસ્થળે તિરંગો ફરકાવ્યો છે જેનાથી કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, દુકાનો, બજારોમાં દેશભક્તિનો ઉત્સાહ જોવા મળ્યો. શહેરના હજારો વાહનચાલકોએ રીક્ષા, બાઈક, કાર સહિતના પોતાના વાહનો પર તિરંગો લગાવ્યો હોવાથી શહેરના માર્ગો પર રાષ્ટ્રભક્તિનો સુંદર માહોલ નજરે પડી રહ્યો છે.
વિરમગામ તાલુકાના વિવિધ ગામોમાં સરકારી કચેરીઓ, સરકારી-ખાનગી શાળાઓ તેમજ જાહેર સ્થળો પર તિરંગો ફરકાવવામાં આવ્યો છે. સાથોસાથ સ્થાનિક સ્તરે તિરંગા યાત્રાઓ પણ આયોજિત કરવામાં આવી રહી છે. વિરમગામ માંડલ દેત્રોજ તાલુકાના અનેક ગામોમાં તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

(6:57 pm IST)