Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

12 ઓગસ્‍ટ પછી ગુજરાત રાજ્‍યના અનેક વિસ્‍તારોમાં ભારે વરસાદ પડવાની શક્‍યતાઃ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી

અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતા આવતા ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સુચના

અમદાવાદઃ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્‍યું હતુ કે, ગુજરાત રાજ્‍યમાં 13 જુલાઇ સુધી સારો વરસાદ પડશે જે સચોટ સાબિત થતા ફરી 12 ઓગસ્‍ટ પછી સૌરાષ્‍ટ્ર-દક્ષિણ ગુજરાતના અનેક વિસ્‍તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરી છે. જ્‍યારે તંત્ર દ્વારા માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા સુચના અપાઇ છે.

રાજ્યમાં આગામી 3 દિવસ યથાવત વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અહીં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી આવી છે. તો 15 અને 16 ઓગસ્ટના એકાદ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન શક્રિય થયું હોવાથી વરસાદની આગાહી છે. આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. તો રાજ્યના બંદરો પર સિગ્નલ નંબર 1 લગાવવાયું છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 12 ઓગસ્ટ પછી ધોધમાર વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે રાજ્યના વરસાદ માટે ચોથા રાઉન્ડને લઈને આગાહી વ્યક્ત કરી છે. આગામી 24 થી 48 કલાક રાજ્યના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદને લઈને પટેલે શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 14 ઓગસ્ટ પછી ધોધમાર વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ઓગસ્ટ મહિનામાં અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈને એંધાણો વ્યક્ત કર્યા હતા. અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 13 જુલાઈ સુધી સારા વરસાદ થવાના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા હતા, જે સચોટ સાબિત થયા છે. અંબાલાલ પટેલે રાજ્યમાં સારા વરસાદને લઈને ફરી એક આગાહી કરી છે. જેમાં વલસાડ, સુરતમાં સારા વરસાદ પડશે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના આકરા એંધાણો વ્યક્ત કર્યા છે, એટલે અહીં ભારેથી અતિભારે વરસાદના કારણે ફરી પૂર આવે એવી સંભાવના જણાવી છે.

રાજ્યના ડેમની સ્થિતિ

સરદાર સરોવર નર્મદા ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી વરસાદના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા. આ  સીઝનમાં પહેલીવાર ડેમના દરવાજા એક મીટર સુધી ખોલવામાં આવ્યા છે.ડેમ મહત્તમ જળસપાટીથી 5.17 મીટર દૂર છે. નર્મદા નદીમાં તબક્કાવાર 10 હજારથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાવામાં આવશે, જે પહેલા નર્મદા નદીના કાંઠા વિસ્તારના વડોદરાના 3 તાલુકા અને ભરૂચના કાંઠા વિસ્તારના લોકોને અલર્ટ પણ કરાયા છે.

ગીર સોમનાથમાં પાણી પાણી

વરસાદે ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારની મુશ્કેલીઓ વધારી દીધી છે. કોડીનાર તાલુકાના ફાચરિયા ગામે બે દિવસથી બજારોમાં નદીની જેમ પાણી વહી રહ્યા છે. ગીરના જંગલમાં ગુરુવારે વરસેલા ભારે વરસાદ બાદ ખેતરના પાણી કુદરતી ઢાળના કારણે ફાચરિયા ગામમાં પહોંચ્યા છે.જેના કારણે ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને પાકમાં નુકસાન થવાની ચિંતા છે.

તાપી નદી બે કાંઠે

ઉકાઈ ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડવામાં આવતા તાપી નદીનું રૌદ્ર સ્વરૂમ સામે આવ્યું છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડી રહેલા અનરાધાર વરસાદને પગલે ડેમમાં પાણીની આવક વધી રહી છે. ડેમની રૂલ લેવલ સપાટીને જાળવી રાખવા તંત્ર દ્વારા મથામણ કરવામાં આવી રહી છે. ડેમમાંથી 1.83 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને પગલે સુરતમાંથી પસાર થતી તાપી નદી બે કાંઠે વહી રહી છે. આ સાથે અડાજણની રેવાનગર ઝુંપડપટ્ટીમાં પાણી ઘુસી જતા 50થી વધું લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે.

ઉપલેટા મોજ ડેમમાં પાણીની આવક

રાજકોટના ઉપલેટામાં આવેલા મોજ ડેમમાં પાણીની આવક થઈ છે. આસપાસના વિસ્તારની જીવાદોરી સમાન મોજીરા ગામ પાસે આવેલા મોજ ડેમની સપાટી 40.40 ફૂટ પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થઈ રહી છે. મોજ ડેમ ઉપલેટા શહેર અને ભાયાવદર શહેર તથા જૂથ યોજના હેઠળના 12 ગામોને પીવાનું પાણી પૂરું પાડે  છે. ડેમમાં એક વર્ષ સુધી ચાલે તેટલો પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ થતા લોકોમાં ખુશી જોવા મળી છે.

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના SOU-એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે 12 મી ઓગષ્ટ,2022 ને શુક્રવારના રોજ બપોરે 03:00 કલાકે 133.95 મીટરે નોંધાયેલ છે. અને દર કલાકે આશરે સરેરાશ 03 થી 04 સે.મી. પાણીની સપાટીમાં વધારો થઇ રહ્યોં છે. જ્યારે ડેમમાં આશરે સરેરાશ 1.80 લાખ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઇ રહી છે. આ લેવલે જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ 7861 મિલીયન ક્યુબીક મીટર (MCM) નોંધાયેલ છે. આશરે છેલ્લા 25 દિવસથી દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં વિજળીનું ઉત્પાદન થઇ રહ્યું હોવાની જાણકારી સરદાર સરોવર-નર્મદા ડેમ વિભાગ તરફથી પ્રાપ્ત થઇ છે.

 સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસમાં આશરે છેલ્લા ૨૫ દિવસથી વિજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વિજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 119 મીટરે હતી. હાલમાં છેલ્લા 25 દિવસથી રિવરબેડ હાઉસના 200 મેગાવોટની ક્ષમતાવાળા 6 યુનિટ દરરોજ સરેરાશ 24 કલાક કાર્યરત કરી ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે, જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ રૂા.4 કરોડની કિંમતની 20 મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. આ વિજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ 45 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેને લીધે નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે.

 તેવી જ રીતે 50 મેગાવોટની ક્ષમતાવાળા 04 કેનાલ હેડ પાવર હાઉસ હાલમાં આજની સ્થિતિએ હાલમાં 4.8 મિલીયન યુનિટ વિજ ઉત્પાદન માટે કાર્યરત છે તેમજ આજથી  સરેરાશ રૂા.98 લાખની કિંમતનુ 4.8 મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે અને દૈનિક સરેરાશ ૨૦ હજાર ક્યુસેક પાણી વિજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે, જે સિંચાઇ અને પીવાના પણીના ઉપયોગમાં લેવાઇ રહ્યું છે, તેવી જાણકારી પણ પ્રાપ્ત થઇ છે.

 અગમચેતી પગલાના ભાગરૂપે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર એલર્ટ મોડમાં છે અને સંબંધ કર્તા તમામ વિભાગોને સાવચેતી રાખવા સંદર્ભે જરૂરી સુચનાઓ આપવામાં આવી છે.

(6:10 pm IST)