Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

પાવાગઢના મહાકાળી માતાજીના નિજ મંદિરમાં ટ્રસ્‍ટીઓ અને ભક્‍તોની ઉપસ્‍થિતિમાં પ્રથમ વખત તિરંગ લહેરાયોઃ આરતી બાદ રાષ્‍ટ્રગાન ગુંજ્‍યુ

માઇ ભક્‍તોમાં રાષ્‍ટ્રભક્‍તિનો અનેરો ઉત્‍સાહઃ મહાકાળીના સાનિધ્‍યમાં દેશભક્‍તિનું વાતાવરણ સર્જાયુ

પંચમહાલઃ પાવાગઢ ખાતે પવિત્ર યાત્રાધામ અને શક્‍તિપીઠમાં પ્રથમ વખત રાષ્‍ટ્રધ્‍વજ લહેરાયો હતો. ટ્રસ્‍ટીઓ અને ભક્‍તો દ્વારા રાષ્‍ટ્રગાનનું ગાયન થતા રાષ્‍ટ્રપ્રેમ અને ભક્‍તિનો સંગમ સર્જાયો હતો. નિજ મંદિરનું ગર્ભ ગૃહ રાષ્‍ટ્રગાનથી ગુંજી ઉઠયુ હતુ.

હાલ આખું દેશ દેશભક્તિના રંગમાં રંગાયુ છે. હર ઘર તિરંગા અભિયાનમાં દરેક લોકો સામેલ થયા છે. આ અભિયાનમાં જોડાઈને ભારતની દરેક ઓફિસ, દરેક ઘર, વાહનો પર પણ તિરંગા લહેરાઈ રહ્યાં છે. ભારતીયો શાન અને ઉત્સાહથી તિરંગો લહેરાવી રહ્યાં છે. તો પછી મંદિરો અને ધર્મ સંસ્થાનો કેમ તેમાંથી બાકાત રહે. ધર્મ સંસ્થાનો પણ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયેલા જોવા મળ્યાં. આજથી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે પણ ઇતિહાસમાં પ્રથમ વખત મંદિર પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો.

પાવાગઢ ખાતે આ નજારો ખાસ બની રહ્યો. જ્યાં ધર્મ ભક્તિ અને રાષ્ટ્ર ભક્તિનો સમન્વય જોવા મળ્યો. પાવાગઢ મંદિરમાં ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી. મંદિરના ઈતિહાસમાં પ્રથમ વખત કાલિકા માતાની મંદિરમાં આરતી બાદ  રાષ્ટ્રગાન કરાયુ હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મંદિર ટ્રસ્ટીઓ અને ઉપસ્થિત માઈ ભક્તોએ રાષ્ટ્રગાન કર્યું હતું.

નિજ મંદિરનું ગર્ભ ગૃહ રાષ્ટ્ર ભક્તિથી ગુંજી ઉઠ્યુ હતું. માતાજીના ગર્ભ ગૃહમાં જ પહેલા આરતી કરાઈ હતી, અને બાદમાં રાષ્ટ્રગાન કરાયુ હતું. નિજ મંદિરમાં પહેલીવાર રાષ્ટ્રધ્વજ લહેરાવાયો હતો. ભક્તોમાં પણ રાષ્ટ્રભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ ક્ષણે ભારતને વિશ્વગુરુ બનાવવા માઇ ભક્તો દ્વારા પ્રાર્થના કરાઈ હતી. પાવાગઢ નિજ મંદિરમાં દેશભક્તિનો રંગ જોવા મળ્યો. મંદિર ટ્રસ્ટીઓ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહી આ ઐતિહાસિક ક્ષણને વધાવી હતી. મા મહાકાળીના સાંનિધ્યમાં દેશભક્તિનું વાતાવરણ સર્જાયું.

(6:09 pm IST)