Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

વડોદરામાં વરસાદી પાણીમાં જુદી જુદી જગ્યાએ સર્જાયેલ અકસ્માતના ત્રણ બનાવમાં મહિલા સહીત ત્રણ લોકોના મૃત્યુના સમાચાર

 વડોદરા: શહેરમાં વરસાદી માહોલ વચ્ચે વાહન સ્લિપ થવાના તથા ચાલુ વાહન  પરથી પડી જવાના ત્રણ કિસ્સામાં મહિલા સહિત ત્રણ વ્યક્તિના મોત થયા છે.રાજસ્થાનના ભરતપુર તાલુકાના દરબરહાનામાં રહેતા રીન્કુભાઇ કોલી અને તેમના  પત્ની ગીતાબેન (ઉ.વ.૨૮) છેલ્લા કેટલાક સમયથી પ્રતાપનગર રોડ પર રહેતા હતા.અને ફૂડ  પેકેજિંગ કંપનીમાં કામ કરતા હતા.ગઇકાલે રાતે  સાડા આઠ વાગ્યે તેઓ બાઇક પર બેસીને જતા હતા.તે સમયે ઝેનિથ સ્કૂલ  પાસે ખાડા ટેકરાવાળી રસ્તા પર ગીતાબેન બાઇક પરથી નીચે પડી જતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી.તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.જ્યાં તેઓનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક બનાવમાં માણેજા બેસિલ સ્કૂલ  પાસે શ્રીજી ટેનામેન્ટમાં રહેતા ધર્મેન્દ્રકુમાર જીવાભાઇ  પરમાર (ઉ.વ.૪૭) મકરપુરા જી.આઇ.ડી.સી.ની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા.ગઇકાલે રાતે તેઓ સ્કૂટર લઇને ઘરે જતા હતા.તે દરમિયાન તરસાલી બ્રિજ થી વડદલા ગામ તરફ જવાના રોડ પર સ્કૂટર સ્લિપ થઇ જતા  માથામાં ગંભીર ઇજા થઇ હતી.તેઓનું મોત નિપજ્યું હતું.જે અંગે મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય એક બનાવમાં ચાપડ ગામ મારૃતિનગરમાં રહેતો રામબહાદુર મનબોધભાઇ વિશ્વકર્મા (ઉ.વ.૩૦) સુથારી કામ કરે છે.ગઇકાલે તે બાઇક લઇને તલસટ ગામ પાસેથી જતો હતો.તે દરમિયાન તેની બાઇક ચાલુ થતી નહી હોવાથી તે ઉભો રહ્યો  હતો.તે દરમિયાન તેની સાથે કામ કરતો સુરેશ રણજીતભાઇ રાવત મંદિરે દર્શન કરીને  તેના ભત્રીજા રાહુલ સાથે સ્કૂટર પર પરત  આવતો હતો.તે રામબહાદુરને જોઇને ઉભો રહ્યો હતો.અને રામબહાદુરની બાઇક તેણે ચલાવી લીધી હતી.જ્યારે રાહુલે  સ્કૂટર ચલાવી લીધું હતું.અને સ્કૂટરની પાછળ રામબહાદુરને બેસાડયા હતા.દરમિયાન રાહુલે સ્કૂટરનો કાબૂ ગુમાવતા રાહુલ અને  રામબહાદુર રોડ પર ફંગોળાયા  હતા.અને રામબહાદુરને માથામાં ગંભીર ઇજા થતા તેનું મોત નિપજ્યું હતું.

(4:29 pm IST)