Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

ખેડા જિલ્લાના હઠીપુરા ગામે ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 42 જુગારીઓને રંગેહાથે ઝડપી પાડ્યા

નડિયાદ : ખેડા જિલ્લાના હઠીપુરા, બામરોલી, કણજરી, વિરોજી તથા સોલંકીપુરા માં જુગાર રમતા ૪૨ જુગારીયાઓને પોલીસે ઝડપી પાડયા હતા. જ્યારે હઠીપુરામાં એક શખ્સ નાસી ગયો હતો. પોલીસે સ્થળ પરથી દાવ પર મુકેલ રકમ તથા અંગજડતી ની રકમ સહિત કુલ રૂ.૬૨,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ચકલાસી પોલીસ મથકના જવાનોએ કણજરી સ્મશાન પાસે આવેલા મંદિર નજીક ખુલ્લી જગ્યામાં પત્તાપાનાનો જુગાર રમતા ૧૩ જુગારીયાઓને ઝડપી પાડયા હતા. પોલીસે સ્થળ પરથી દાવ પર મુકેલી રકમ રૂ. ૨,૪૪૦ અંગજડતીની રકમ રૂ. ૧૬,૭૬૦ મળી કુલ રૂ. ૧૯,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે સોલંકીપુરામાં જુગાર રમતા ત્રણ જુગારીયાઓને રૂ. ૫,૧૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે વસો તાલુકાના હઠીપુરામા પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૧૦ જુગારીયાઓને ઝડપી પાડયા હતા. જ્યારે મુખ્ય સૂત્રધાર નાસી ગયો હતો. પોલીસે દાવ પરની રકમ તથા અંગજડતી ની રકમ મળી કુલ રૂ.૧૬૫૨૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત વસો તાલુકાના બામરોલી સીમમાંથી જુગાર રમતા ૧૦ જુગારીયાઓને રૂ. ૧૪,૫૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. આમ વસો પોલીસે બે અલગ અલગ જગ્યાએથી ૨૦ જુગારીયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માતર તાલુકાના વિરોજી ગામે લીંબાસી પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૬ જુગારીયાઓને રૂ. ૭,૨૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. ઉપરોક્ત બનાવ સંદર્ભે ચકલાસી પોલીસે ૧૬, લીંબાસી પોલીસે ૬, તથા વસો પોલીસે ૨૧ જુગારીયાઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(4:28 pm IST)