Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

ગાંધીનગરના આસપાસના વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવમાં વધારો:પેથાપુરમાં બંધ મકાનમાંથી 1.95 લાખની ચોરી કરી તસ્કરો રફુચક્કર

ગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવ વધી રહ્યા છે ત્યારે શહેર નજીક આવેલા પેથાપુરની શિવરામ પાર્ક વસાહતમાં પરિવાર મકાન બંધ કરીને વતનમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા માટે ગયો હતો તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનમાંથી ૧.૯૫ લાખ રૃપિયાની મતદાન ચોરી લીધી હતી. જે સંદર્ભે પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને તસ્કરોને પકડી પડવા માટે દોડધામ શરૃ કરી છે.

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે તસ્કરોએ હવે આસપાસના ગ્રામ્ય વિસ્તારને પણ નિશાન બનાવવાનું શરૃ કરી દીધું છે. પેથાપુર ખાતે આવેલી શિવરામ પાર્ક વસાહતમાં રહેતા અને ગુજરાત પાણી પુરવઠા બોર્ડમાં કામ કરતા ધર્મેન્દ્રસિંહ વિક્રમસિંહ મહિડા ગત ૧૦ ઓગસ્ટના રોજ તેમનું મકાન બંધ કરીને પરિવાર સાથે વતન ખેડામાં રક્ષાબંધન પર્વ ઉજવવા માટે ગયા હતા. આ દરમિયાન આજે સવારના સમયે તેમના પાડોશમાં રહેતા વ્યક્તિએ મકાન ખુલ્લું હોવાની જાણ તેમને ફોન ઉપર કરી હતી. જેના પગલે ધર્મેન્દ્રસિંહ તુરત જ પેથાપુર ખાતેના મકાન ઉપર પહોંચ્યા હતા અને તપાસ કરતાં મકાનની તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ૧.૯૫ લાખ રૃપિયાની મત્તા ચોરાઈ હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ મામલે પેથાપુર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી હતી. નોંધવું રહેશે કે છેલ્લા કેટલાય સમયથી ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારમાં તસ્કર ટોળકી બંધ મકાનોને નિશાન બનાવી રહી છે પરંતુ હજી સુધી ટોળકી પોલીસ પકડમાં આવી નથી. ઘરફોડ ચોરીના બનાવ અટકાવવા માટે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની તાતી જરૃરિયાત છે.

(4:30 pm IST)