Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

સાસુએ વહુ પર લગાવ્‍યો ઘરેલુ હિંસાનો આરોપઃ ૨૫ લાખનું વળતર માંગ્‍યુ

કોર્ટમાં એક અનોખો કેસ આવ્‍યો : સામાન્‍ય રીતે વહુ સાસરિયાં અને પતિ સામે આવો કેસ કરતી જોવા મળે છે : સાસુએ આરોપ લગાવ્‍યો કે, પુત્રવધુ નાની-નાની વાતમાં તેમને અપમાનિત કરતી હતી : પુત્રવધુની નજર તેમના પરિવારની પ્રોપર્ટી પર

અમદાવાદ,તા. ૧૩: સામાન્‍ય રીતે સાસુઓ વહુને ત્રાસ આપતી હોવાના કિસ્‍સા જોવા અને સાંભળવા મળતા હોય છે. અને વહુઓ દ્વારા સાસરિયાં સામે ઘરેલુ હિંસાના કેસ કરતી જોવા મળતી હોય છે. પરંતુ અમદાવાદની મેટ્રો પોલિટન કોર્ટમાં તેનાથી તદ્દન ઉલટો કેસ આવ્‍યો છે. જેમાં એક સાસુએ તેમની પુત્રવધૂ સામે ઘરેલુ હિંસાનો આરોપ મૂક્‍યો છે અને ૨૫ લાખ રૂપિયા વળતર પેટે માંગ્‍યા છે.

 અરજદાર સાસુના વકીલે કર્ણાટક હાઈકોર્ટના ચુકાદા અને અન્‍ય આવા જ કેસનો હવાલો આપતા કહ્યું કે, સાસુ પણ તેમની પુત્રવધૂ સામે ડોમેસ્‍ટિક વાયોલન્‍સ એક્‍ટ (DV ACT) હેઠળ ફરિયાદ નોંધાવી શકે છે. તેમણે કહ્યું કે, આ કાયદો મહિલાઓને કોઈપણ પ્રકારની ઘરેલુ હિંસા સામે રક્ષણ આપે છે.

આ ફરિયાદ મુખ્‍યત્‍વે કાયદાની કલમ ૧૯ અંતર્ગત નોંધાવાઈ છે, જે કલમ પીડિત મહિલાઓને ઘણી રાહત આપે છે. આ કલમ અંતર્ગત પીડિતના કબજામાં રહેલી કે પીડિતાના ભાગમાં આવેલી સંપત્તિ, જે તેની પાસે હોય કે ન હોય, તેના પર સામેની વ્‍યક્‍તિ દ્વારા ખલેલ પહોંચાડવા સામે રક્ષણ આપે છે. સાસુએ ડોમેસ્‍ટિક વાયોલન્‍સના કાયદાની કલમ ૨૨ અંતર્ગત ૨૫ લાખ રુપિયાનું વળતર પણ માગ્‍યું છે.

કેસની વિગત મુજબ, વીણાબેન વ્‍યાસ (નામ બદલ્‍યું છે) એ તેમના વકીલ રાજીવ રાજપુરોહિત મારફતે નોંધાવેલી ફરિયાદમાં તેમની પુત્રવધૂ રંજિતા (નામ બદલ્‍યું છે) સામે નજીવી બાબતોમાં તેમને હડસેલાં મારવાનો અને અપમાનિત કરવાનો આરોપ લગાવ્‍યો છે. તેમણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે, વર્ષ ૨૦૦૫માં તેમના પતિએ ખરીદેલું પોતાનું ઘર હોવા છતાં તેમને ભાડાના ઘરમાં રહેવું પડી રહ્યું છે. સાસુએ જણાવ્‍યું કે, એ ઘરમાં હાલમાં તેમની પુત્રવધૂ તેના દીકરા સાથે ત્‍યાં રહે છે. જોકે, તેનો પતિ એ ઘરમાં તેની સાથે રહેતો નથી.

સાસુએ વધુમાં જણાવ્‍યું છે કે, તેમના દીકરાએ ૨૦૧૫માં રંજિતા સાથે લગ્ન કર્યા હતા. જોકે, રંજિતા સંયુક્‍ત પરિવારમાં રહેવા માગતી ન હતી. રંજિતાએ અલગ રહેવા જવા માટે પતિ પર દબાણ કરવાનું અને સાથે જ તેમને (સાસુને) હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં, ઘણી વખત તેમનું અપમાન પણ કર્યું હતું.

વીણાબેને આરોપ લગાવ્‍યો કે, રંજિતાની નજર પરિવારની પ્રોપર્ટી પર હતી. તેમણે આરોપ લગાવ્‍યો કે, રંજિતા તેના પતિને તેના માતા-પિતા સાથે વાત કરવા દેતી ન હતી અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હતી. બાદમાં રંજિતાએ સાસુ-સસરાને ઘરમાં બહાર કાઢી મૂક્‍યા અને પાછા આવશે તો ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી. દરમિયાનમાં તેમના પુત્રએ છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી.

(10:22 am IST)