Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જે નવા વૃક્ષોના વાવેતર અને સંભાળ રાખવા માટે વન મહોત્સવનો કાર્યક્રમ કરે છે : મનસુખભાઈ વસાવા

સામાજિક વનિકરણ વિભાગ દ્વારા આ વર્ષે૭૩ મા વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે કુલ ૨૭.૭૦ લાખ રોપાનું વિતરણ કરવાનો નક્કી કરાયેલો સક્ષ્યાંક: જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણીના અવસરે કુલ ૬૯ લાભાર્થીઓને ૭.૯૦ લાખ રોપા ઉછેર કરવા બદલ વળતર પેટે રૂપિયા ૨૩.૨૮ લાખની સહાય ચૂકવાઈ: નર્મદા જિલ્લામાં ૭૩ મા વન મહોત્સવની જિલ્લાકક્ષાની ઉજવણી રાજપીપલાના સરદાર ટાઉનહોલ ખાતે કરાઈ : મહાનુભાવોના હસ્તે કરાયું વૃક્ષારોપણ

(ભરત શાહ દ્વારા રાજપીપળા : નર્મદા જિલ્લા વન વિભાગ-સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ૭૩ મા વન મહોત્સવની જિલ્લાકક્ષાની ઉજવણી રાજપીપલાના સરદાર ટાઉનહોલ ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં કરાઈ હતી. સામાજિક વનીકરણ ભરૂચ વર્તુળના વનસંરક્ષક ડો.કે.શશીકુમાર, જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબે,રાજવી પરિવારના રઘુવીરસિંહજી ગોહિલ અને રૂકમણીદેવી ગોહિલ, સ્થાનિક મહિલા અગ્રણી ભારતીબેન તડવી, નાયબ વન સંરક્ષક મિતેશભાઇ પટેલ,મદદનીશ વનસંરક્ષક ઈદરીશભાઈ ટોપીયા અને જીગ્નેશભાઈ સોલંકી, જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલ વગેરેની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો.
આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જે નવા વૃક્ષોના વાવેતર અને સંભાળ રાખવા માટે વન મહોત્સવનો કાર્યક્રમ કરે છે. વૃક્ષ અને માનવ જીવન એક સિક્કાની બે બાજુ સમાન છે. માણસના અસ્તિત્વ અને તેના સ્વાસ્થ્યને ટકાવી રાખવા માટે વૃક્ષો અતિ મહત્વના છે. સમગ્ર માનવ જીવનના સારા સ્વાસ્થ્ય માટે વૃક્ષો હોવા જરૂરી છે અને એટલે જ વૃક્ષ આપણા પરિવારનું સભ્ય છે તેવી રીતે તેની માવજત કરવી જોઈએ. વૃક્ષો ઉગાડવા એક પવિત્ર કાર્ય છે કેમકે કોરોના કાળ જેવી મહામારીમાં ઓક્સિજનનું કેટલું મહત્વ છે તે આપણે જોયું છે. જંગલ વિસ્તારમાં કોરોના જેવી મહામારી પણ પ્રવેશી શકી નથી જે વન સંપદાની તાકાત છે.
આ પ્રસંગે સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ વર્તુળના વનસંરક્ષક ડો. કે. શશીકુમારે સૌને વૃક્ષારોપણ તરફ આગળ આવી નર્મદા જિલ્લાની વન્ય સંપદાઓને વધુ લીલીછમ બનાવવા માટે અપીલ કરતાં જણાવ્યું હતું કે આ વન મહોત્સવ એટલે વન અને વન્ય પ્રાણીઓ માટેના સંરક્ષણનો ઉત્સવ છે. સરકાર દ્વારા પણ વૃક્ષારોપણ કરતા અને વૃક્ષોનું ઉછેર કરતા ખેડૂતો માટે અનેક સહાયક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. જેમાં ખેતરના છેડે અથવા પોતાની માલિકીની ખુલ્લી જગ્યામાં વૃક્ષોનું વાવેતર કરી તેનું ઉછેર કરતા ખેડૂતોને સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવે છે. વધુમાં કહ્યું કે, ગામના રસ્તાઓ ખુલ્લી જગ્યામાં વૃક્ષારોપણ કરી વૃક્ષનો ઉછેર કરશો તો આગામી સમયમાં આપણી ભાવિ પેઢીને કામ લાગશે. આવનારી પેઢીને સારું જીવન પૂરું પાડવાની જવાબદારી પણ આપણી છે. આપણા નર્મદા જિલ્લાને હજી પણ વધુ હરિયાળો બનાવી આસપાસના જિલ્લાઓને સ્વચ્છ હવાની ભેટ આપવાનું આહવાન કર્યું હતું.  
૭૩ મા વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વન વિભાગની વિવિધ યોજનાઓનો લાભ મેળવનારા લાભાર્થીઓને આર્થિક પુરસ્કાર તેમજ અન્ય સહાયની સાધન સામગ્રી ઉપસ્થિત મહાનુભાવના હસ્તે પ્રતિકાત્મક રૂપે દરેક યોજનાના પાંચ-પાંચ લાભાર્થીઓને આપવામાં આવી હતી. જે પૈકી જિલ્લામાં ૩.૮૦ લાખ રોપા ડી.સી.પી. નર્સરી ઉછેરનારા ૩૬ લાભાર્થીઓને રૂપિયા ૮.૩૬ લાખ તથા ૩.૧૦ લાખ રોપા ખાસ અંગભૂત કિશાન નર્સરી અંતર્ગત ઉછેરનાર ૨૬ લાભાર્થીઓને રૂપિયા ૬.૮૨ લાખ તેમજ એક લાખ રોપા ખાસ અંગભૂત ગ્રુપ નર્સરી ઉછેરનાર ૭ લાભાર્થીઓને રૂપિયા ૮.૧૦ લાખની રકમ ઉછેરેલા રોપાના વળતર પેટે એનાયત કરાઈ હતી. આ અવસરે કુલ ૬૯ લાભાર્થીઓને ૭.૯૦ લાખ રોપા ઉછેર કરવા બદલ વળતર પેટે રૂપિયા ૨૩.૨૮ લાખની રકમ ચૂકવવામાં આવી હતી. સાથોસાથ વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનારા વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને પ્રશસ્તિપત્રો એનાયત કરી સન્માનિત કરાયાં હતા.
અત્રે નોંધનીય છે કે, વન વિભાગ-સામાજિક વનિકરણ વિભાગ દ્વારા આ વર્ષે ૭૩ મા વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ૨૭.૭૦ લાખ રોપાનું વિતરણ કરવાનો સક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જેની સામે અત્યારસુધીમાં કુલ ૧૫ લાખ રોપાનું વિતરણ થઈ ચૂક્યું છે. આજે કાર્યક્રમ સ્થળે મહાનુભાવોના હસ્તે ટાઉનહોલ પાસેના ગાર્ડનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

(10:36 pm IST)