Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

દાહોદના ધાનપુરમાં પ્રેમી સાથે ભાગેલી પરિણિતાને ક્રૂર સજા: પતિને ખભે બેસાડી ગામમાં ફેરવી:માર મારીને કપડા ફાડ્યા

પરિણિતાએ પતિ સહિત કુલ 19 લોકોના ટોળા વિરૂદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજૂરી ગામમાં પ્રેમી સાથે ભાગેલી પરિણિતાને તેનો પતિ અને સાસરિયા શોધી લાવ્યા હતા અને ગામ વચ્ચે તેણીને ઢોર માર મારીને કપડા ફાડી નાંખ્યા હતા. આ વાત માત્ર ત્યાં સુધી જ સીમિત ન રહી હતી. ત્યારબાદ પતિને ખભે બેસાડીને પરિણિતાને આખા ગામમાં ફેરવી હતી.

ધાનપુરના ખજૂરી ગામે રહેતી 23 વર્ષીય પરિણીતા થોડા સમય અગાઉ પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જેની અદાવક રાખીને તેનો પતિ અને સાસરિયાઓ તેણીની સતત શોધખોળ હાથ ધરી રહ્યા હતા. 6ઠ્ઠી જુલાઈના રોજ તેમને પરિણિતા મળી આવતા ખજૂરી ગામે લઈ આવ્યા હતા. જ્યાં જાહેરમાં તેણી સાથે ક્રૂરતાભર્યું વર્તન કર્યું હતું.

વાઇરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાતું હતું કે, પરિણિતાને વિવિધ લોકો ભેગા થઈને હાથ અને લાકડીઓ વડે માર મારી રહ્યા હતા. આસપાસમાં ઘણા લોકો પણ ઉપસ્થિત હતો. જેઓ માત્ર જોઈ રહ્યા હતા અને કેટલાક લોકો તો ચિચિયારીઓ પાડીને માર મારનારાઓને પ્રોત્સાહિત કરી રહ્યા હતા. અન્ય યુવાનો પોતાના મોબાઈલમાં વીડિયો ઉતારતા પણ જોવા મળ્યા હતા.

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલો વીડિયો ધાનપુરના ખજૂરી ગામનો હોવાનું સામે આવતા પોલીસ કાફલો ખજૂરી ગામે દોડી ગયો હતો. જ્યાં ભોગ બનનારી મહિલાની મુલાકાત લઈને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પરિણીતાએ પોતાના પર થયેલા તમામ જુલમની માહિતી પોલીસને આપી હતી. જ્યારબાદ પોલીસ પરિણીતાને લઈને પોલીસ મથક પહોંચી હતી. જ્યાં પરિણીતાએ પતિ સહિત 19 લોકોના ટોળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે 19 પૈકી 6 લોકોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.

(12:26 am IST)