Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

લોપ્રેસર બન્યુ, દરિયામાં કરંટ, અમુક સ્થળોએ ભારે વરસાદની આગાહી

રાજયભરમાં ચોમાસાની ફરી જમાવટઃ દરિયામાં મોજા ઉછળતા માછીમારોને દરિયો ન ખેડવા સુચના : પાંચેક દિવસ પવનના જોર વચ્ચે મેધરાજા મહાલશેઃ અમુક વિસ્તારોમાં ઓરેંજ એલર્ટઃ જાફરાબાદ, વેરાવળ અને કંડલા બંદરે ભયજનક સિગ્નલ

રાજકોટઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસના વિરામ બાદ ચોમાસું ફરી જામ્યું છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દમણ, દીવમાં અતિભારે વરસાદ પડશે. તો ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, નર્મદા અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે.

તો આવતીકાલે સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ,દીવમાં અતિભારે તો પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, નર્મદા, ભરૂચ, ડાંગ, કચ્છ, અમરેલી, બોટાદ, ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે.

 જ્યારે ગુરુવારે  પણ વરસાદી માહોલ યથાવત રહેશે. પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, દીવમાં અતિ ભારે અને બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં ભારે  વરસાદ પડી શકે છે. 

 હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈ ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાત પર લો- પ્રેશર સર્જાયું છે. જેના કારણે ૪૦થી ૫૦ કિમીની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમરેલીના જાફરાબાદ, ગીર સોમનાથના વેરાવળ અને કચ્છના કંડલા બંદર પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. બંદર પર ત્રણ નંબરના સિગ્નલ સાથે પ્રશાસને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

હવામાન વિભાગના અનુમાન વચ્ચે અમરેલીના જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. હાલ દરિયામાં ઉંચા મોજા ઉછળવાનું શરૂ થયું છે. દરિયામાં મોજા ઉછળવાનું શરૂ થતા જ પ્રશાસન એલર્ટ થઈ ગયું. પ્રશાસને કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કર્યા છે અને માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપી છે.

(11:33 am IST)