Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

નર્મદા જીલ્લાનાં કણજી ગામ પાસે આવેલી દેવનદીમા પ્રથમ વરસાદે જ કોઝવે પરથી 8 વર્ષની બાળકી તણાઈ

માતા પિતાની આંખો સામે જ પોતાની વ્હાલસોયી દીકરી પાણીમાં તણાંઇ જતાં ગમગીની

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  નર્મદા જીલ્લાને કરોડો રૂપિયાની સરકારી ગ્રાંટો ફાળવવામાં આવી રહી છે, પરંતું આજે પણ આદિવાસીઓ સરકારી તંત્રની લાપરવાહી અને વિકાસને છેવાડાના માનવી સુધી પહોંચડવામાં નિષ્ફડતાને લીધે મોતને ભેટી રહયા છે, નર્મદા જીલ્લા માં પ્રથમ વરસાદે જ એક 8 વર્ષીય આદિવાસી બાળકી પોતાના પરીવાર સાથે નદી પર બનાવેલા નાળાને ક્રોસ કરવા જતાં પાણીના પ્રવાહમાં માતા પિતાની આંખો સામે જ પાણીમા તણાઈ હોવાનો ગંભીર બનાવ ડેડીયાપાડા તાલુકા માં બન્યો છે.   
મળતી માહિતી અનુસાર ડેડીયાપાડાના પૂર્વ પટ્ટીના અંતરિયાળ વિસ્તારોમાં જંગલ વિસ્તારો માં મુસળધાર વરસાદ વરસ્યો હતો, જે દરમ્યાન વાંદરી ગામના વસાવા જીગ્નેશભાઈ મીરાભાઈ પોતાની પુત્રી મમતાબેન ઉમર વર્ષ 8 તથા પત્ની શીલાબેન સાથે વાંદરી ગામે પરત જઈ રહ્યા હતા, તે દરમિયાન કણજી ગામ પાસે દેવ નદીના કોઝવે નાળા પરથી રાત્રે લગભગ આંઠેક વાગ્યાના સુમારે પસાર થતા હતા, ત્યાંરે ઉપરવાસમાં ભારે વરસાદ થી નદીમાં અચાનક વધારે પાણીનો પ્રવાહ આવતા તેમની પુત્રી મમતા વસાવા ઉમર વર્ષ 8 નદી ના ભારે પ્રવાહમાં તણાઈ જતા ગ્રામજનો અને તંત્ર દ્વારા શોધખોળ કરવામાં આવેલ છે પરંતુ હજુ સુધી બાળકીનો કોઈ પતો લાગેલ નથી.
પોતાની આંખો સામે જ વ્હાલસોયી દિકરી પાણી ના ભારે પ્રવાહમાં તણાઈ જતાં માતા પિતા ઉપર આભ તુટી પડયો હતો. રાત્રે બનાવ ની જાણ ગામ લોકો ને થતાં તેઓને સાંત્વના આપી હતી.
નર્મદા જીલ્લા ને કેન્દ્ર સરકારે એસ્પીરેસનલ જીલ્લા તરીકે જાહેર કર્યો છે પરંતું ઊંડાણ નાં આદિવાસી વિસ્તારોમાં આવી ઘટનાઓ કંઈ નવી નથી, અગાઉ પણ આવી ઘટનાઓ બની ચુકી છે, હજી તો માત્ર ચોમાસા ના પ્રથમ વરસાદે જ એક બાળકી નો ભોગ લીધો છે.
બનાવ ની જાણ થતાં ડેડીયાપાડા મામલતદાર , તાલુકા વિકાસ અધિકારી સહિત નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, જ્યાં મૃતક બાળકી ના પરિજનો ને સાંત્વના આપી હતી અને બાળકી ને નદી માંથી સોધી કાઢવા ની કવાયદ હાથ ધરી હતી.
જિલ્લાના છેવાડાના ગામોમાં નદીમાં બાળકો તણાવવાની ઘટના અવાર નવાર બને છે સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં આગ લાગવાની ઘટના પણ ઘણીવાર બની હોવા છતાં તંત્ર દ્વારા ફાયર સ્ટેશન કે નદી નાળા ઉપર સુરક્ષા બાબતે કોઈજ વ્યવસ્થા ન થતાં આવી ઘટના નું પૂરનાવર્તન થઈ રહ્યું હોય વિકાસની વાતો કરતી સરકાર ચૂંટણીઓ ટાણે ભલે ગમેતેવા વચનો આપી મતદારોને રીઝવવા પ્રયાસ કરે પરંતુ આવી બાબતે વચન કે વાયદા નહિ પરંતુ કામગીરી થવી જરૂરી છે

(10:51 pm IST)