Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

નવા સંગઠનની જાહેરાત બાદ આપમાં ભડકો : તાપી જિલ્લાના હોદ્દેદારોએ રાજીનામા આપ્યા

107માંથી 33 હોદ્દા સુરતને ફાળવવામાં આવતા આમ આદમી પાર્ટીના નેતાઓમાં નારાજગી

સુરત : આમ આદમી પાર્ટીના નવા સંગઠનની જાહેરાતને હજુ એક દિવસ પણ થયો નથી અને આમ આદમી પાર્ટીમાં ભડકો જોવા મળી રહ્યો છે. નવા સંગઠનની જાહેરાત બાદ તાપી જિલ્લાના હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયા અને ઈસુદાન ગઢવી  સામે કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પાર્ટીમાં ટોચના નેતાઓની નારાજગી સામે આવી છે.

રવિવારે એટલે કે ગઈકાલે આમ આદમી પાર્ટીના નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 107માંથી 33 હોદ્દા સુરતને ફાળવવામાં આવ્યા છે. જેની સામે આમ આદમી પાર્ટીના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. તાપી જિલ્લાના હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા છે. બીજી તરફ પ્રદેશ મહામંત્રી જયદીપ પંડ્યા અને પ્રદેશ મંત્રી અભિષેક પટેલે આપનું વોટ્સએપ ગ્રુપ છોડી દીધુ છે. આપના કાર્યાલયમાંથી જયદીપ પંડ્યાના નામની પ્લેટ અને તસવીરો હટાવવામાં આવી છે. જેને લઈને નારાજ નેતાઓને સમજાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આગામી દિવસોમાં વધુ રાજીનામા પડે તેવી શક્યતાઓ છે.

રવિવારે આપના પ્રદેશ સંગઠનની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ઈસુદાન ગઢવીને નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી બનાવ્યા છે, જ્યારે ઈન્દ્રનીલ રાજ્યગુરુને પણ નેશનલ જોઈન્ટ સેક્રેટરી બનાવ્યા છે. આ ઉપરંત સાગર રબારીને આપ પ્રદેશ ઉપપ્રમુખ બનાવ્યા છે. જ્યારે ભેમા ચૌધરીને ઉપપ્રમુખમાંથી હટાવાયા છે. ભેમા ચૌધરીને સ્ટેટ કોઓપરેટિવ વિંગના પ્રમુખ બનાવ્યા છે. મનોજ સોરઠીયાને સ્ટેટ જનરલ સેક્રેટરી બનાવ્યા છે. ટોટલ 850 લોકોને સ્થાન આપવામાં આવ્યું છે. ગામડા સુધી સંગઠન તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સિવાય તમામ સંગઠન વિખેરી નાખ્યું હતું. આ નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી છે.

ગઈકાલે આપના પ્રભારી ડૉ. સંદીપ પાઠકે મીડિયાના પ્રશ્નોના જવાબ આપતાં જણાવ્યું હતું કે સંગઠન બે પ્રકારના હોય છે, એક મોટું સંગઠન અને બીજું સ્વસ્થ સંગઠન. જે સંગઠન મોટું છે પણ તેમાં ટિકિટ અને હોદ્દા માટે ઝઘડા થાય છે, હું આવા સંગઠનને સ્વસ્થ નથી માનતો, આવું સંગઠન કોંગ્રેસ પાસે છે. અમારૂ જે સંગઠન છે તે એક સ્વસ્થ સંગઠન છે એટલે કે અમે જે સંગઠન ગામડે ગામડે બનાવ્યું છે, તેમાં લોકો કોઈપણ પ્રકારના લોભ અને લાલચથી મુક્ત માત્ર સંગઠન માટે કામ કરતા લોકો છે.

સંદીપ પાઠકે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરવામાં આવશે. જે તે સમયે અમે ચોક્કસ ચહેરો જાહેર કરીશું. ઈસુદાન ગઢવીને રાષ્ટ્રીય લેવલે જવાબદારી સોંપવામાં આવી છે. અમારું સંગઠન મોટું બનાવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય લેવલે પણ મોટી પાર્ટી બની છે, ત્યારે ઈસુદાન રાષ્ટ્રીય લેવલે નેતા છે અને તેઓ કરી શકે છે.

(9:59 pm IST)