Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

શૈક્ષણીક સંકુલો વિદ્યાર્થીઓના કલરવથી ફરી ગુંજી ઉઠ્યા : વિરમગામ શહેર સહિત અમદાવાદ જિલ્લામાં પ્રથમ શૈક્ષણીક સત્રનો પ્રારંભ

વિરમગામની ત્રિપદા સ્કૂલમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ઉનાળુ વેકેશન પૂર્ણ થતાની સાથે જ વિરમગામ માંડલ દેત્રોજ સાણંદ સહિત અમદાવાદ જિલ્લાની શાળાઓ આજથી શરૂ થઈ ગઈ અને વિદ્યાર્થીઓ વહેલી સવારે શાળામાં પહોંચ્યા હતા. વિરમગામની ત્રિપદા સ્કૂલમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિરમગામ શહેર સહિત અમદાવાદ જિલ્લામાં ઉનાળુ વેકેશન બાદ પ્રથમ શૈક્ષણીક સત્રનો પ્રારંભ થઇ ગયો હતો.

  ઉનાળાના વેકેશનમાં સુમસામ લાગતા શૈક્ષણીક સંકુલો વિદ્યાર્થીઓના કલરવથી ફરી ગુંજી ઉઠ્યા અને ઉનાળાના વેકેશન પછી સરકારી તથા ખાનગી શાળાઓ રાબેતા મુજબ ખુલી ગઇ હતી. પુસ્તકો તથા સ્ટેશનરી ખરીદવા માટે બજારમાં પણ લોકોની ચહલ પહલ જોવા મળી રહી છે. સોમવારથી વિરમગામ સહિત સમગ્ર અમદાવાદ જિલ્લામાં પ્રથમ શૈક્ષણીક સત્રનો પ્રારંભ થયો. . વિરમગામ સહિત  રાજ્યભરની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાનગી કે ગ્રાન્ટેડ તેમજ સરકારીમાં ઉનાળુ વેકેશન પડયું હતું. તારીખ ૧૩ જુનને સોમવારથી શાળાઓમાં પ્રથમ શૈક્ષણિક સત્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનિય છે કે વાર્ષિક પરીક્ષાઓ પુર્ણ થયા પછી વિદ્યાર્થીઓએ ઉનાળુ વેકેશનની મજા માણી હતી અને મિત્રોની સાથે રમતો રમીને કે પરીવારની સાથે બહાર હરવા ફરવા જઇને વેકેશનનો અનેરો આનંદ લુટ્યો હતો. શૈક્ષણીક સત્રના પ્રથમ દિવસે વિરમગામ શહેરની આનંદ સ્કુલ, આઇપીએસ સ્કુલ, નવયુગ વિદ્યાલય, સેતુ વિદ્યાલય, કે બી શાહ વિનય મંદિર, દિવ્યજ્યોત સ્કુલ, ધર્મજીવન વિદ્યાલય સહિતની શાળાઓમાં વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા અને વિવિધ બાલગીતો, રમતો રમાડવામાં આવી હતી. શાળામાં પ્રથમ દિવસ હોવાથી વિદ્યાર્થીઓ ભગવાનના દર્શન કરી ને તો કેટલાક વાલીઓએ પોતાના ભુલકાઓને તિકલ કરીને દહી સાંકર ચખાડીને શાળામાં મોકલ્યા હતા.
  વિરમગામ શહેરની ત્રિપદા સ્કુલના પાંચમા ધોરણના વિદ્યાર્થી ભાર્ગવ વાસુકિયાએ પોતાની કાલીઘેલી ભાષામાં જણાવ્યુ હતુ કે, નિશાળના પેલા દિવસે તો મજા પડી ગઇ. બધા ભઇબંધો મળી ગયા. બાલગીત ગાવાની મજા આવી અને રમત રમવાનું પણ ગમ્યુ. ભગવાનને પગે લાગીને નિશાળે આવ્યો હતો.

(6:57 pm IST)