Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

સુરતના પાલનપોર કેનાલ રોડ નજીક ઇલેક્ટ્રિક બસ ડેપો પરથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી

સુરત: પાલનપોર કેનાલ રોડ પર બીઆરટીએસ ઇલેક્ટ્રીક બસ ડેપો પાસેથી અજાણ્યા યુવાનની લાશ મળી આવવાની ઘટનામાં અડાજણ પોલીસે હત્યાનો ગુનો નોંધી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં મોતને ઘાત ઉતારનાર બે જણાને ડિટેઇન કરી પૂછપરછ હાથ ધરી છે. પાલનપોર કેનાલ રોડ પર નવા બંધાય રહેતા બીઆરટીએસ ઇલેક્ટ્રીક બસ ડેપો પાસેથી બે દિવસ અગાઉ માથામાં તીક્ષ્ણ હથિયારના ત્રણ ઘા અને પગમાં ઇજાગ્રસ્ત હાલતમાં અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. જે તે વખતે અડાજણ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતકના પોસ્ટર છપાવી સ્થાનિક વિસ્તારમાં તપાસ કરતા મૃતક ધનસુખલાલ મણીલાલ નાયકા (ઉ.વ. 57 રહે. એસએમસી ટેનામેન્ટ, મંથન રો હાઉસ સામે, હનીપાર્ક, અડાજણ) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેના પરિવારની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ધનસુખ અને ટેનામેન્ટમાં રહેતો લાલો ડાહ્યા રાઠોડ સાથે જ છૂટક મજૂરી કામ કરતા હતા. દારૂ પીવાની કુટેવ હોવાથી કામ નહીં મળે તો ચોરી પણ કરતા હતા.

બે દિવસ અગાઉ ધનસુખ અને લાલો પાલનપોર કેનાલ રોડ પર બની રહેલા બીઆરટીએસના ઇલેક્ટ્રીક બસ ડેપો પાસે ગયા હતા. જયાં બે અજાણ્યા સાથે સામાન્ય બાબતે ઝઘડો થતા કામના લાકડાના ફટકા અને તીક્ષ્ણ હથિયાર વડે ધનસુખ અને લાલો પર હુમલો કર્યો હતો. જેમાં ધનસુખને ગંભીર ઇજા થતા મોત થયું હતું જયારે લાલાને પણ સામાન્ય ઇજા થઇ હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી બે હત્યારાને ડિટેઇન કરી પૂછપરછ હાથ ધરી છે. 

(6:11 pm IST)