Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

અમદાવાદના 132 ફુટ રીંગ રોડ અને સરદાર પટેલ રીંગ રોડ વિસ્‍તારમાં વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાયા

ઘણા વિસ્‍તારોમાં એક ઇંચથી વધુ વરસાદ થતા તંત્રની પ્રિમોન્‍સુન કામગીરીની પોલ ખુલી

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહીના પગલે અમદાવાદ શહેરમાં વાતાવરણ પલટાતા 132 ફુટ રીંગ રોડ, સરદાર પટેલ રીંગ રોડ તથા રાણીપ, એસ.જી. હાઇવે, ઘાટલોડીયા, ગોતા, શાહીબાગ, નરોડા, સાબરમતી, ચાંદખેડા, જગતપુર સહિતના વિસ્‍તારોમાં એક ઇંચથી વધારે વરસાદ પડતા તંત્રની પ્રિમોન્‍સુન કામગીરીની પોલ ખુલી ગઇ હતી.

હવામાન વિભાગની આગાહી અનુસાર તબક્કાવાર રીતે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે પણ રાજુલા અને જાફરાબાદ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. સુરતમાં પણ વરસાદ થયો છે. ત્યારે આજે અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ખાસ કરીને અમદાવાદના 132 ફૂટ રિંગરોડ અને સરદાર પટેલ રિંગ પર આવેલા મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા 15 જૂન સુધીમાં ગાજવીજ સાથે 1 ઇંચ જેટલો વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. એસજી હાઇવે, સોલા, ગોતા, શાહીબાગ, નરોડા, નકિલો, ન્યૂ રાણીપ, સાબરમતી, ચાંદખેડા, જગતપુર સહિતના વિર્સાદમાં વરસાદ નોંધાયો હતો. પાલડી, ગીતામંદીર, જમાલપુર, ગીતા મંદિર બસ સ્ટેન્ડ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.

13 જૂને સવારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે મોડી રાતથી જ વરસાદ શરૂ થઇ ચુક્યો છે. શનિવારે બપોરે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાણીપ, એસજીહાઇવે, ઘાટલોડિયા, ગોતા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. જો કે સામાન્ય વરસાદમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા મોટા મોટા દાવાઓ અને પ્રિમોનસુન કામગીરીની પોલ ખુલી ગઇ હતી. જગતપુર વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા હતા.

(5:32 pm IST)