Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ધોરણ 10માં ગણિત સ્‍ટાન્‍ડર્ડ અને બેઝીકમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને બેઝીક ગણિતની પરિક્ષા આપવા દેવા શાળા સંચાલક મંડળની માંગ

બોર્ડમાં પ્રથમ વખત ગણિત સ્‍ટાન્‍ડર્ડ અને બેઝીકના વિકલ્‍પો આપવામાં આવ્‍યા જેમાં ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થયા

ગાંધીનગરઃ ધો.10માં બોર્ડમાં પ્રથમ વખત વિદ્યાર્થીઓને ગણિત વિષયના સ્‍ટાન્‍ડર્ડ અને બેઝીક એમ બે વિકલ્‍પો આપવામાં આવ્‍યા હતા. સ્‍ટાન્‍ડર્ડ ગણિતમાં 8 હજારથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થતા શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્‍કર પટેલે અને બોર્ડના પ્રિયવદન કોરાટ દ્વારા નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પુરક પરિક્ષામાં બેઝીક ગણિતનો વિકલ્‍પ આપવો જોઇએ તેવી માંગ કરી છે.

રાજ્યમાં થોડા દિવસો પહેલાં જ ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ધોરણ 10 માં સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને બેઝિક ગણિતની પરીક્ષા આપવા દેવા માંગ કરવામાં આવી છે.

ધોરણ 10 બોર્ડમાં પ્રથમવાર વિદ્યાર્થીઓને ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ અને બેઝિક એમ બે વિકલ્પ આપવામાં આવ્યા હતા. પહેલીવાર બોર્ડ દ્વારા લેવાયેલી સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષામાં 8 હજારથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, ત્યારે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલ અને બોર્ડનાં મેમ્બર પ્રિયવદન કોરાટ દ્વારા આ માંગ કરાઈ છે. જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થયા છે તેમના હિતને ધ્યાન લઈ પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓને બેઝિક ગણિતનો વિકલ્પ આપવો જોઈએ.

શિક્ષણ વિભાગે બેઝિક ગણિત સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આપવા દેવા પરિપત્ર જાહેર કર્યો છે, ત્યારે સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પણ બેઝિક ગણિતની પરીક્ષા આપવાનો વિકલ્પ આપવો જોઈએ. હાલ બોર્ડની કારોબારી ચાલી રહી છે, તો આ પ્રશ્ન અંગે ચર્ચા કરીને નિરાકરણ આવે એવી અપીલ કરીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, ધોરણ 10 બોર્ડની પરીક્ષા 7.50 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી અંદાજે 2.10 લાખ વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં નાપાસ થયા છે. જ્યારે 2 લાખ જેટલા વિદ્યાર્થીઓ બેઝિક ગણિત રાખવા છતાં નાપાસ થયા છે. 13 હજાર વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ ગણિતમાં 40 કરતા પણ ઓછા માર્કસ મેળવ્યા છે, તો 2.80 લાખ વિદ્યાર્થીઓએ બેઝિક ગણિતમાં 40 કરતા ઓછા માર્કસ મેળવ્યા છે.

(5:29 pm IST)