Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

સત્તામાં આવીશું તો ૨૦૦ યુનિટ વીજળી ફ્રી ગુજરાતમાં AAPએ પટારો ખોલ્‍યો

અમદાવાદ, તા.૧૩: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસ અને આપ સક્રિય બની ગયું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પોતાનું જૂનું સંગઠન ભંગ કરીને નવું માળખું જાહેર કરી દીધું છે. બીજી બાજુ દિલ્‍હીના સીએમ કેજરીવાલ મહેસાણામાં રોડ શોમાં લોકોનો અદ્દભુત પ્રતિસાદ મળ્‍યો હતો. ત્‍યારબાદ ગુજરાતમાં આપ સક્રિય બની ગયું છે. આજે આમ આદમી પાર્ટીએ ચૂંટણી પહેલા જ જનતાને આકર્ષવા માટે એક મહત્‍વપૂર્ણ જાહેરાત કરી દીધી છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આજે જણાવ્‍યું હતું કે, ગઈકાલે (રવિવાર) અમે નવા સંગઠનની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાં સંગઠનમાં સમાવેશ કરાયેલા તમામ લોકોને અભિનંદન પાઠવું છું. આગામી સમયમાં બીજી યાદી જાહેર કરીને તમામને સમાવવામાં આવશે. તેમણે જણાવ્‍યું છે કે, આપના આવવાથી ગુજરાતમાં લોકોને નવો વિકલ્‍પ મળ્‍યો છે, જે સરકાર બનાવવા સુધી લઈ જશે. શિક્ષણના મુદ્દે અમે જે આક્રમકતાથી અવાજ ઉઠાવ્‍યો એનાથી પણ ભાજપ સરકાર ગભરાઈ છે, જેના આધારે તેઓએ પગલાં ભરવાની ફરજ પડી છે.આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્‍યું હતું કે, હવે અમે વીજળીના મુદ્દે આગળ વધીશું અને જો આગામી સમયમાં ગુજરાતની જનતા અમને સત્તામાં લાવશે તો સૌને ૨૦૦ યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે. આગામી ૧૫ જુનથી રાજ્‍યના તમામ જિલ્લા મથકોએ આ મુદ્દે દેખાવ કરી આવેદનપત્ર આપવામાં આવશે.
ગોપાલ ઇટાલિયાએ રાજ્‍યમાં પોતાનો આગામી રણનીતિ જાહેર કરી હતી. જેમાં તેમણે જણાવ્‍યું હતું કે, ૧૬ જુનથી ૨૪ જૂન સુધી મહા જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવશે. જે દરમ્‍યાન સંગઠનના તમામ લોકો વિવિધ કાર્યક્રમો આપશે. લોકો વચ્‍ચે જઈને માંગણી પત્રકો ભરીશું કે લોકો શુ ઈચ્‍છે છે. અમે સરકાર સામે તમામ મોરચે લડી લેવાની માનસિકતા સાથે આગળ વધીશું. તેમણે ઉમેર્યું હતું કે ભ્રષ્ટ ભાજપ સરકાર અને વીજ કંપનીઓની ચૂંગાલમાંથી અમે રાજ્‍યની પ્રજાને છોડાવીશું.

 

(4:31 pm IST)