Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

દક્ષિણ ગુજરાત- સૌરાષ્‍ટ્રમાં પ્રથમ વરસાદ-વિજળીથી ૪ મહિલા સહિત ૬નો ભોગ લેવાતા અરેરાટી

ગુજરાત રાજયના ૯૧ તાલુકામાં ર૪ કલાકમાં હળવો-ભારે વરસાદ વરસ્‍યો

રાજકોટ, તા. ૧૩ :  કર્ણાટકમાં આઠ દિવસથી અટકેલા ચોમાસાનો એક છેડો ગુજરાત પહોંચી ગયો છે. ખાસ કરીને સૌરાષ્‍ટ્રના અનેક વિસ્‍તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો ૯૧ તાલુકાઓમાં વરસાદ થયો છે. ૨૪ કલાકમાં સૌથી વધુ મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ૭૫ મિમી. વરસાદ ખાબકયો છે. જ્‍યારે આજે સવારે અમદાવાદ, ખેડા, ભરૂચ અને બાવળામાં સામાન્‍ય વરસાદ થયો છે. ગઈકાલે વલસાડના ઉમરગામમાં ૨૨ મિ.મી., કપરાડામાં ૩૧ મિ.મી., ધરમપુરમાં ૨૫ મિ.મી. તેમજ વડોદરાના સંતરામપુરમાં ૮૧ મિ.મી.,કડાણામાં ૫૦ મિ.મી, ઝાલોદમાં ૩૦ મિ.મી. વરસાદ પડ્‍યો હતો. જામજોધપુર, ખંભાળિયા અને લાલપુરમાં પણ ઝાપટાં પડ્‍યાં હતાં.

વડાલીમાં ૧.૫ ઈંચ વરસાદ,

પાલનપુરમાં રાત્રે ઝાપટું

ઉત્તર ગુજરાતમાં શનિવાર મોડી રાતથી વરસાદી માહોલ સર્જવાનું શરૂ થયું હતું. રાત્રે હળવા ઝાપટાં બાદ સાબરકાંઠામાં વડાલીમાં સૌથી વધુ ૪૦ મીમી એટલે કે ૧.૫ ઇંચ, વિજયનગરમાં ૧ ઇંચ જ્‍યારે તલોદ તાલુકો રવિવાર આખો દિવસ કોરો રહ્યા બાદ બાદ સાંજે ભારે પવન ફુંકાયા બાદ વીજકડાકા સાથે વરસાદ તૂટી પડ્‍યો હતો અને ૬ વાગ્‍યાથી ૮ વાગ્‍યા દરમિયાન ૨૭ મીમી એટલે કે ૧ ઇંચ ઉપરાંત વરસાદ પડ્‍યો હતો. જ્‍યારે મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના કેટલાક વિસ્‍તાોરમાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.પાલનપુરમાં શરૂઆતમાં હળવો વરસાદ થયા બાદ પોણા કલાક સુધી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદી ઝાપટું તૂટી પડયું હતું.

કડીમાં સામાન્‍ય વરસાદમાં

પાણી ભરાઈ ગયાં

કડી શહેરમાં રવિવારે સવારે ૭ વાગ્‍યાથી વીજ કંપનીની પ્રિ મોન્‍સુન કામગીરી અંતર્ગત વીજળી બંધ રહેતાં અસહ્ય ગરમી અને ભારે ઉકળાટના કારણે આકૂળ વ્‍યાકુળ થઈ ઊઠેલા શહેરીજનોએ સાંજના ૪ વાગે વીજ પુવરઠો પૂર્વવત થતાં રાહત અનુભવી હતી. દરમિયાન, સાંજના ૫ વાગે મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરતાં આંશિક ઠંડક પ્રસરી હતી. શહેરમાં માત્ર ૩ મીમી વરસાદમાં પણ પાણી ભરાઇ જવાની સમસ્‍યા જોવા મળી હતી.

વડોદરામાં વરસાદી ઝાપટું પડ્‍યું

વડોદરામાં પાંચેક મિનિટ સુધી વરસાદી ઝાપટું વરસતાં માત્ર રસ્‍તાઓ જ પલળ્‍યા હતા. ત્‍યારબાદ કાળાડિબાંગ વાદળો પવનોના કારણે ખેંચાઈ ગયાં હતાં, જેને કારણે પહેલો વરસાદ ધોધમાર પડે તેવી શહેરીજનોને આશા પર પાણી ફરી વળ્‍યું હતું. જોકે ૨૦ મિમી જેટલો વરસાદ પડતાં ગરમીનો પારો ૪ ડિગ્રી ઘટયો હતો. બીજી તરફ વરસાદને પગલે શહેરના છાણી સહિતના વિસ્‍તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. સોમવારના રોજ પણ શહેરમાં વરસાદી ઝાપટું પડવાની સંભાવના છે. જ્‍યારે ગરમીનો પારો ૩૯ ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે.

ગોંડલના સુલતાનપુર, વીંજીવડમાં ગાજવીજ

સાથે એકથી દોઢ ઇંચ વરસાદ

રાજકોટ જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ મહેર કરી છે.ગોંડલ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્‍ટ્રી કરી હતી. દિવસભરના અસહ્ય બફારા બાદ સાંજે હવામાન પલટાયું હતું. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્‍યો છે. ગોંડલનાના સુલતાનપુર, વીંજીવડ, નાના-મોટા સખપરમાં એકથી દોઢ ઇંચ વરસાદ વરસ્‍યો છે. જ્‍યારે દેરડીકુંભાજીમાં ગાજવીજ સાથે ધોધમાર અને ગોંડલ શહેરમાં ઝરમર વરસાદ વરસ્‍યો છે. રાજકોટમાં ૧૫૦ ફૂટ રિંગ રોડ, જામનગર રોડ, કાલાવડ રોડ, મોરબી રોડ સહિતના વિસ્‍તારોમાં ધીમીધારે વરસાદી ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

રાજ્‍યમાં ચાર મહિલા

સહિત ૬નાં મોત

મોરબીના ઝિકિયારી, નર્મદાના સાગબારામાં સીમ આમલી તેમજ સંતરામપુરના ગોઠીબડા ગામમાં વીજળી પડતાં એક-એક મહિલાના મોત થયા હતા. બીજી તરફ, હળવદના સુંદરી ભવાનીમાં દીવાલ પડતા એક મહિલા સહિત કુલ ત્રણના મોત નિપજ્‍યાં હતા. જ્‍યારે મલેકપુરના ખુંદી ગામે ઝાડ પર વીજળી પડતાં વળક્ષો નીચે બાંધેલા બે પશુના મોત નિપજ્‍યાં હતા. છોટાઉદેપુર તાલુકાના રૂનવાડ ગામે વીજળી પડવાથી બે ભેંસના મોત થયા હતા, બોડ ગામમાં વીજળી પડવાથી એક ગાયનું મોત નિપજ્‍યું હતું.

શહેર             વરસાદ(મિમિ)

સંતરામપુર   ૮૧

કડાણા        ૫૦

કાલાવડ      ૨૫.૪

કપરાડા      ૩૧

ઝાલોદ       ૩૦

દાહોદ        ૨૫

ધરમપુર     ૨૫

ઉમરગામ    ૨૨

વડોદરા      ૨૦

રાજકોટ      ૧૨

ફતેપુરા       ૧૨

વાંકાનેર      ૯

મોરવા(હ)    ૮

જાંબુઘોડા     ૮

કપડવંજ     ૮

વલસાડ      ૭

ટંકારા        ૭

ઘોઘંબા       ૭

સીંગવડ      ૭

આંકલાવ     ૫

પારડી        ૩

મોરબી      ૨

બીજી તરફ, ભીષણ ગરમીનો સામનો કરી રહેલા ઉત્તર અને મધ્‍ય ભારતમાં ચોમાસાની ચાતક નજરે રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન શનિવારે પヘમિી તટે ગોવા, મુંબઈને પાર કરીને આગળ વધેલું ચોમાસુ રવિવારે પણ ત્‍યાં જ અટકી ગયું. જોકે, હવે તે ઝડપથી દક્ષિણ ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મહારાષ્‍ટ્રના કેટલાક વિસ્‍તારોમાં પહોંચે તેવી સ્‍થિતિ સર્જાઈ ગઈ છે. દક્ષિણ રાજસ્‍થાન, ગુજરાતના અંદરના વિસ્‍તારો, પヘમિ મધ્‍ય પ્રદેશ અને મહારાષ્‍ટ્રના કેટલાક વિસ્‍તારોમાં પ્રિ-મોનસૂન ઝાપટાં પણ શરૂ થઈ ગયા છે.

(3:47 pm IST)