Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

‘આપ’ ચૂંટણીમાં ભ્રષ્ટાચાર મુદ્દો ઉછાળનાર હોવાના આઈબી રિપોર્ટ બાદ ફટાફટ પગલાઓ

ગુજરાત સરકાર દ્વારા ભ્રષ્ટાચાર મામલે મોટા માથાઓ સામે ઍસીબી, ખાતાકીય તપાસ સાથે નિષ્ઠાવાન અનુભવી આઈપીઍસ અધિકારીઓની ત્રીસ્તરીય તપાસ વ્યવસ્થા ગોઠવવાનું આ છે રહસ્ય : ૧૯૮૫ બેચના સ્વચ્છ છબી ધરાવતા કાર્યદક્ષ ઍ.કે.સિંઘ અને વિજયભાઈના કાર્યકાળ દરમિયાન સીબીઆઈ અનુભવ આધારે સપાટો બોલાવનાર નિવૃત ઍસીબી વડા કેશવ કુમારની સ્પેશ્યલ કમિટીની નિમણૂક : આમ આદમી પાર્ટી ગુજરાતમાં લાંબા સમયથી ઍસીબી વડાની જગ્યા ખાલી હોવાથી આ મામલો ઊજાગર કરે તે પહેલા અર્થાત રથયાત્રા બાદ આ સ્થાન પણ ખાલી નહિ રાખવામાં આવે

રાજકોટ, તા.૧૩:    ગુજરાત સરકાર લાંચ રૂશ્વત અર્થાત્ ભ્રષ્ટાચાર મામલે ખૂબ ગંભીરતાપૂર્વક કામગીરી કરી રહી હોવાનું પ્રસ્થાપિત કરી આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે મહત્વનો મુદ્દો આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉછાળશે તેવા સ્ટેટ આઇબી રિપોર્ટના પગલે પગલે ગુજરાત સરકારે હવે મોટા માથાઓ સામેની ભ્રષ્ટાચારની તપાસ ફૂલપ્રૂફ બનાવવાની રણનીતિ ઘડી કાઢી છે, જે અંતર્ગત હવે ત્રી સ્તરીય તપાસ સિસ્ટમ્સ ગુજરાતમાં કાર્યરત કરી છે.                               

ભ્રષ્ટાચારનો મુદ્દો આમ આદમી પાર્ટી માટે માત્ર ગુજરાત કે અન્ય કોઈ રાજ્ય પુરતો સીમિત રહેતો નથી, આવી આ પાર્ટીની પોલીસની ભાષામાં કહીઍ તો તેની પ્.બ્ અર્થાત્ મોડેસ ઓપરન્ડી હોવાનું સ્ટેટ આઇબી દ્વારા લાંબા સમયથી અભ્યાસ બાદ ગૃહ મંત્રાલયને આપેલ વિસ્તૃત રિપોર્ટના પગલે જે નવી વ્યવસ્થા અમલી બની છે તેમાં ઍસીબી તપાસ ઉપરાંત ખાતાકીય તપાસ સાથે ૧૯૮૫ બેચના હાલના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટીયાની બેચના ખૂબ સ્વચ્છ છબી ધરાવતા ઍ.કે. સિંઘ અને પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપણીના કાર્યકાળ દરમિયાન ઍસીબી ટીમના સહકારથી સપાટો બોલાવનાર અને સીબીઆઈનો વિશાળ અનુભવ ધરાવતા કેશવ કુમારને મહત્વની જવાબદારી સુપ્રત કરી, વિપક્ષ ખાસ કરી આમ આદમી પાર્ટીના હાથમાંથી હથિયાર છીનવવા પ્રયાસો શરૂ કર્યા છે.                         

મોટા માથાઓ સામેની તપાસ દરમિયાન આવક કરતા વધુ સંપતી હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન બહાર આવ્યે તુરત આ સ્પેશ્યલ કમિટી કે જેઓને ખાસ પાવર આપવામાં આવશે તે ઝડપથી કાર્યવાહી કરાવશે. અત્રે ઍ યાદ રહે કે. કે. રાજેશના મામલામાં જે રીતે રાજ્ય સરકાર સામે આંગળી ચિંધવાનો મોકો મળ્યો અને અન્ય આઇઍઍસ કે આઇપીઍસ મામલે જે રીતે સરકારની નિષ્ઠા વિશે સવાલો ઉઠી રહ્ના છે , ત્યારે પ્રવર્તમાન સરકાર આ બાબતે પોતાની છબી ઝાંખી થાય તેવું બિલકુલ ઈચ્છતી નથી.          

 બીજી તરફ કેશવ કુમાર નિવૃત્ત થયા બાદ રાજ્યના ઍસીબી વડાની જગ્યા લાંબા સમયથી અન્ય સ્થાનો મારફત ખાલી રાખવામાં આવતા આ બાબત પણ વિપક્ષ ખાસ કરી આમ આદમી પાર્ટી ચૂંટણી મુદ્દો બનાવનાર હોવાના સ્ટેટ આઇબી રિપોર્ટ હોવાની સચિવાલય વર્તુળોમાં ચર્ચા છે, ઍમ કહેવાય છે કે હાલના ઍડી.ચીફ સેક્રેટરી હોમ દ્વારા પણ ફેરફારો ઝડપથી કરવા સરકારનું ધ્યાન દોર્યું છે.

(12:30 pm IST)