Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

રઘુવંશી યુવા અગ્રણી હિમાંશુ ઠકકર ‘આપ'માં જોડાયા

અરવિંદ કેજરીવાલે ખેસ પહેરાવી સ્‍વાગત કર્યુ : શ્રી કચ્‍છી સમાજ- અમદાવાદના મહામંત્રી, અખિલ ગુજરાત કચ્‍છ વાગડ લોહાણા મહાજનના ઉપપ્રમુખ સહિતની સંસ્‍થાઓમાં સક્રિય

રાજકોટઃ છેલ્લા વીસેક વર્ષોથી અનેક સામાજીક સંસ્‍થાઓમાં જેમનું યોગદાન રહ્યું છે તેવા રઘુવંશી યુવા અગ્રણી શ્રી હિમાંશુભાઈ ઠકકરનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. દિલ્‍હીના મુખ્‍યમંત્રી શ્રી કેજરીવાલે ખેસ પહેરાવી તેઓનું સ્‍વાગત કર્યું હતું. આ પ્રસંગે ઈસુદાન ગઢવી સહિત ‘આપ'ના નેતાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

વર્ષોથી શિક્ષણ જગત સાથે સંકળાયેલા અને સમાજસેવાની પ્રવૃત્તિઓમાં સતત સક્રિય એવા હિમાંશુ ઠકકરે લોહાણા સમાજના વિવિધ આગેવાનો તેમજ શિક્ષણ જગત સાથે સંકળાયેલા અનેક મિત્રો સાથે ચર્ચા કરી આ નિર્ણય લીધો હોવાનું તેઓએ જણાવ્‍યું હતું.

ઉલ્લેખનિય છે કે હિમાંશુ ઠકકર શ્રી કચ્‍છી સમાજ અમદાવાદના મહામંત્રી છે તેમજ સૌથી નાની વયે શ્રી કચ્‍છ વાગડ લોહાણા મહાજન અમદાવાદના  પ્રમુખ તેમજ વિશ્વ લોહાણા મહાપરિષદના મહામંત્રી રહી ચુકયા છે. શ્રી અખિલ ગુજરાત કચ્‍છ વાગડ લોહાણા મહાજનના તેઓ હાલ ઉપપ્રમુખ છે અને છેલ્લા દસ વર્ષમાં શ્રી લોહાણા મહાપરિષદમાં પણ તેમની ખૂબ સક્રિય ભૂમિકા રહી છે.  કોરોના મહામારીના સમયમાં રકતદાન કેમ્‍પ માટેની સતત અપીલ તથા યુવાનો માટે રઘુવંશી હીર શોધ પ્રતિયોગિતામાં હજારો પરિવારો તેમની સાથે જોડાયા હતા તેવા હિમાંશુભાઈ ક્ષમતાનો રાજકારણમાં કેવો ઉપયોગ થાય છે તે તો સમય જ બતાવશે. આગામી દિવસોમાં સમાજના અન્‍ય શિક્ષિત અને સેવાભાવી યુવાનો તેમજ અગ્રણીઓ આ દિશામાં આગળ વધશે. તેમ તેઓએ જણાવ્‍યું હતું. (હિમાંશુ ઠકકર મો.૯૮૭૯૩ ૦૧૦૦૪) 

(12:07 pm IST)