Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

સાબરકાંઠામાં ડ્રોનથી મિલકતોનું સર્વેક્ષણ કરી બનાવાશે પ્રાપર્ટી કાર્ડ :દસ્તાવેજો ડિજિટલ કરવાની કામગીરી શરૂ

હિંમતનગર તાલુકાના 133 ગામોમાં ડ્રોન દ્વારા સર્વેક્ષણ કરી મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ બનાવી અપાશે : ભારતીય સર્વેક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા 133 ગામો પૈકી 125 ગામોમાં ડ્રોન દ્વારા સર્વેક્ષણ કરાશે

સાબરકાંઠા જિલ્લાના ગામોની મિલકતોનું ડ્રોનથી સર્વેક્ષણ કરી પ્રોપર્ટી કાર્ડ બનાવવાનું શરૂ કરાયુ છે. જેમાં હિંમતનગર તાલુકાના 133 ગામોમાં ડ્રોન દ્વારા સર્વેક્ષણ કરી મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ બનાવી આપવામાં આવશે.

રાજ્ય સહિત કેન્દ્ર સરકાર દ્વારા સરકારી રેકર્ડનું ડિજિટલાઇઝેશન કરવાનું કામ છેલ્લા કેટલાય સમયથી કરવામાં આવી રહ્યું છે. જેમાં ખેતીલાયક જમીનનું ડિજિટલ પ્રમોગેશન કર્યા બાદ હવે રહેણાંક અને કોમર્શિયલ મિલકતના રેકર્ડ ડિજિટલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને લઈ ડ્રોન દ્વારા ગામડાઓમાં રહેલ મિલકતોનું સર્વેક્ષણ કરવાનું શરુ કરાયુ છે. સર્વેક્ષણ બાદ મિલકત માલિકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે આ પાઇલોટ પ્રોજેકટ જિલ્લાના મુખ્ય તાલુકા મથકેથી શરૂ કરવામાં આવ્યો છે. જેમાં હિંમતનગર તાલુકાના દેસાસણ, સકરોડીયા, બાવસર સહિતના 6થી વધુ ગામોમાં ડ્રોન દ્વારા સર્વેક્ષણ કરવામાં આવ્યું.

અગાઉ ખેતી લાયક જમીનના સર્વેમાં અનેક પ્રકારની ક્ષતિઓ સામે આવી હતી. પરંતુ હવે ડ્રોન દ્વારા મિલકત સર્વેક્ષણ હાથ ધરાયુ છે. જેમાં ભારતીય સર્વેક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા 133 ગામો પૈકી 125 ગામોમાં ડ્રોન દ્વારા સર્વેક્ષણ કરાશે. જે અંતર્ગત પ્રથમ ફેઝમાં 105 ગામોનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યુ છે. ડ્રોન દ્વારા સર્વેક્ષણ કર્યા બાદ તમામ ડેટા ઓનલાઈન કરી સ્થાનિક કક્ષાએ મોકલવામાં આવશે અને ત્યાર બાદ તેમાં રહેલ ત્રુટીઓ દૂર કરી ફાઇનલાઈઝ કર્યા બાદ મિલકત ધારકોને મિલકતના પ્રોપર્ટી કાર્ડ ફાળવવામાં આવશે.

(9:34 pm IST)