Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

મંત્રી અર્જુનરામ મેઘવાલ વડનગરની મુલાકાતે:એક્સપેરિયન્સલ મ્યુઝિયમની સાઇટને નિહાળી

ઉત્ખનનની વિવિધ સાઇટ પર પગપાળાં જઇને માહિતી મેળવી: 12મી સદીમાં બંધાયેલાં શ્રી હાટકેશ્વર મહાદેવના મંદિરમાં ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી આરતી ઉતારી

અમદાવાદ :ભારત સરકારની 8 વર્ષની ઉપલબ્ધિઓ અને સેવા, સુશાસન,ગરીબ કલ્યાણ ઉજવણીના ભાગરૂપે મહેસાણા જિલ્લાની મુલાકાતના બીજા દિવસે, કેન્દ્રીય સંસદીય બાબતો અને સાંસ્કૃતિક વિભાગના રાજ્ય મંત્રી અર્જુનરામ મેઘવાલ વડનગરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને નજરે નિહાળવા વડનગર પહોંચ્યા હતા. તેમણે 12મી સદીમાં બંધાયેલાં શ્રી હાટકેશ્વર મહાદેવના મંદિરમાં ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી આરતી ઉતારી હતી. તેમણે ઐતિહાસિક સ્થળો અને આંતરરાષ્ટ્રીય કક્ષાના વડનગર માંનિર્માણાધીન એક્સપેરિયન્સલ મ્યુઝિયમની સાઇટને નિહાળી હતી.

વડનગરની મુલાકાત દરમિયાન મંત્રી અર્જુન મેઘવાલે વડનગરનાં કીર્તિ તોરણ, પ્રેરણા સ્કુલ,બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી, શર્મિષ્ઠા તળાવ, આંતરરાષ્ટ્રીય કક્ષાના નિર્માણાધીન એક્સપેરિયન્સલ મ્યુઝિયમ સાઇટ,ઉત્ખનન સાઇટ, રેલવે સ્ટેશનની પ્રધાનમંત્રીના બાળપણની યાદ એવી ચાની કીટલી સહિતનાં વિવિધ સ્થળોની મુલાકાત લઇને ઉત્ખનન દરમિયાન મળેલા અવશેષોનું નિરીક્ષણ કર્યું હતું અને તેમણે ઉત્ખનનની વિવિધ સાઇટ પર પગપાળાં જઇને માહિતી મેળવી હતી.તેમણે અધિકારીઓને ઝડપથી કામ પૂરું થાય તે માટે સૂચના આપી હતી.

વડનગરમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા ઉત્ખનન દરમિયાન શંખચૂડી,અલગ અલગ ડિઝાઇનના ઠીકરાં,માટીનાં રમકડાં,પેન્ડેન્ટ અને સીલીંગ મળી આવ્યા છે. વડનગરમાં આર્કિયોલોજી ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ 2014થી જુદી જુદી અઢાર જગ્યાએ ખોદકામ ચાલું રહ્યું છે. જેમાંથી અત્યાર સુધીમાં 25 હજારથી વધુ વસ્તુઓના અવશેષો મળી આવ્યા હોવાની વિગતો ચીફ આર્કિયોલોજિસ્ટ  અભિજિત આંબેકરે મંત્રી મેઘવાલને આપી હતી.

વડનગરમાં 15 હજારથી વધુ ચોરસવાર જમીન ઉપર આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ બનવાનું છે.તેમણે મ્યુઝિયમ સાઇટ ઉપર ખોદકામ અને ઉત્ખનન કરીને રોજગારી મેળવી રહેલા મજૂરો સાથે વાત કરી તેમને મળતા વેતન અંગે પૃચ્છા કરી હતી. તેમણે વડનગરની મ્યુઝિયમ સાઇટની આજુબાજુ રહેતાં બાળકો અને રહીશો સાથે પણ વાતચીત કરી હતી. વડનગરના સામાજિક અગ્રણી સોમાભાઇ મોદી ,ગુજરાતના આર્કિયોલોજી વિભાગના વડા પંકજ શર્મા, અને મહેસાણાના અધિકારીઓ આ મુલાકાત વેળાએ તેમની સાથે રહ્યા હતા

કેન્દ્રીય રાજ્ય મંત્રી મેઘવાલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ વર્ષોમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે ઘણું કર્યું છે,સ્વાસ્થ્ય ક્ષેત્રે સારી પ્રગતિ થઈ છે.વડાપ્રધાન દ્વારા આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરવામાં આવી છે.જેનો લાભ ભારતના અનેક પરિવારોને મળી રહ્યો છે.તેમજ સરકારનું એ પણ લક્ષ્ય છે કે દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ પણ હોય.તેમણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા આવેલા દર્દીઓની તબિયતની પૃચ્છા કરી હતી અને આયુષ્યમાન કાર્ડ છે કે નહીં તેની જાણકારી મેળવી હતી. તેમણે દર્દીઓને જણાવ્યું હતું કે, સરકાર એવી વ્યવસ્થા ગોઠવી રહી છે કે જેથી વૃદ્ધ દર્દીઓને દવાખાને ન આવવું પડે.તેમની સારવાર તેમના ઘરે જ થઇ જાય. તેમણે માતા-બાળ મૃત્યુદર ઘટે એ માટે સંસ્થાકીય પ્રસૂતિ વધારવા માટે ડોક્ટરોને તાકીદ પણ કરી હતી.

અર્જુન રામ મેઘવાલજી, મંત્રી સંસદીય બાબતો અને સાંસ્કૃતિક રાજ્ય મંત્રી, ભારત સરકાર અને ભાજપના વરિષ્ઠ નેતાઓએ મહેસાણાના વિસનગર સ્થિત સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગરની મુલાકાત લીધી. સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ, ટ્રસ્ટીઓ અને વિસનગરના અગ્રણીઓએ માન. અર્જુન રામ મેઘવાલજીનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું.

(8:59 pm IST)