Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

ચૈત્રી નવરાત્રિના પ્રારંભ કાળે જ તમામ ધાર્મિક સ્થળો બંધ

રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ : અંબાજી, ડાકોર, બહુચરાજી મંદિરોને બંધ રાખવા નિર્ણય

અમદાવાદ, તા. ૧૩ : રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ ચાલી રહ્યું છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. શાળાઓ-કોલેજો, મોલ, થિએટર વગેરે બધુ બંધ થયું છે. અત્યારે હવે એક ભગવાનનો જ ભરોસો રહ્યો છે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હવે તો કાળમુખા કોરોનાના કારણે ભગવાનના દ્વાર પણ એક પછી એક બંધ થવા લાગ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાજયના મુખ્યંત્રી વિજય રુપાણીએ તમામ ધાર્મિક સ્થળો બંધ કરવાની જાહેરાત કરી હતી. નાગરિકો બને તેટલા ઓછા બહાર નિકળે અને લોકો એકઠા ના થાય તે માટે કેટલાક ધાર્મિક સ્થળએ તે જ બં કરાવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે હવે રાજ્યના તમામ નાના મોટા મંદિરો અને યાત્રાધામો બંધ થયા છે.

કોરોના કાળ વચ્ચે આજે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે મહામારીની આ સ્થિતિ વચ્ચે યાત્રાધામ અંબાજી ચૈત્રી નવરાત્રિમાં ભક્તો માટે બંધ કરી દેવાયું છે. આ સિવાય મહેસાણા જીલ્લામાં આવેલા શક્તિપીઠ એવા યાત્રાધામ બહુચરાજી મંદિર પણ દર્શન માટે બંધ કરી દેવાયું છે. ચોટીલામાં આવેલું ચામુંડા માતાજીનું મંદિર પણ શ્રદ્ધાળુઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા ૩૦ એપ્રિલ સુધી શ્રદ્ધાળુઓ માટે મંદિર બંધ કરવામાં આવ્યું છે. તો વળી પાવાગઢનું મંદિર પણ કોરોનાના કારણે બંધ કરવામાં આવ્યું છે.

આવતી કાલથી યાત્રાધામ ડાકોર મંદિર પણ ભક્તો માટે બંધ કરવા મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધો છે. બંધ બારણે ગણતરીના પૂજારીઓ નિત્યક્રમ પ્રમાણે રણછોડજીની પૂજા અર્ચના ચાલુ રાખશે. પરંતુ જ્યાં સુધી નવો નિર્ણય ન કરાય ત્યાં સુધી ભક્તોને પ્રવેશ આપવામાં નહીં આવે. બીજી તરફ બોટાદ જિલ્લાનું સાળંગપુર હનુમાનજી મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીનું મંદિર ૩૦ એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૧૪ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી મંદિર બંધ રહેશે. કેસો વચ્ચે પ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિર પણ આગામી તારીખ ૩૦ એપ્રિલ સુધી બંધ રહેશે.

(9:41 pm IST)