Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

અમદાવાદ મ્યુ. કોર્પો દ્વારા આર.ટી.પી.સી.આર ટેસ્ટ માટે ડ્રાઈવ થ્રુ ટેસ્ટની પહેલ : જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ માં પાંચ નવા કલેકશન સેન્ટર યુદ્ધના ધોરણે કાર્યરત કરાયા : કાર ચાલક ગાડીમાં બેસીનેજ સેમ્પલ આપી શકશે : લેબોરેટરીમાં લાંબી લાઈનોને કારણે સંક્રમણ ઘટાડવા અમદાવાદ મહાનગરપાલિકાનો નિર્ણય

અમદાવાદ: શહેરમાં ધરખમ રીતે વધી રહેલા કોરોનાના કેસોને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવા આવ્યો છે. RT- PCR ટેસ્ટ કરાવવામાં લેબોરેટરીમાં લાંબી લાઈન હોય છે. જેમાં કેટલાક અસિમટોમેટિક દર્દીઓ પણ હોય છે અને જેને કારણે પણ સંક્રમણ ફેલાઇ શકે છે. આ વાતને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અનોખી પહેલ કરી ડ્રાઇવ થ્રૂ ટેસ્ટની શરૂઆત કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ન્યુ બર્ગ સુપરાટેક પ્રાઇવેટ લેબ સાથે મળીને જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ડ્રાઇવ થ્રુ ટેસ્ટ કરવામાં આવશે. જેમાં ટેસ્ટ કરાવનાર પોતાની ગાડીમાં જ બેસીને મિનિટોમાં જ સેમ્પલ આપી શકશે. આ માટે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ડોમ ઊભા કરી 5 કલેક્શન સેન્ટર બનાવવામાં આવશે. ટેસ્ટ કરાવનાર વ્યક્તિ એ અગાઉથી અપોઈન્ટમેન્ટ લેવી જરૂરી નથી. ટેસ્ટ કર્યા બાદ 24 થી 36 કલાક પછી વોટ્સએપ, એસ.એમ.એસ અથવા ઈ-મેલ દ્વારા સરળતાથી મેળવી શકાશે.

ડ્રાઇવ થરુ એન્ટ્રી કરતા સમયે પોતાના મોબાઈલથી ક્યું આર કોડ સ્કેન કરીને નોંધણી કરી શકશે. નોંધણી થઈ જાય એટલે ટોકન નંબર જનરેટ થશે. જે ટોકન નંબર કલેક્શન સેન્ટર ખાતે બતાવવાનો રહેશે. આ કલેક્શન સેન્ટર સવારે 8 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે. ડ્રાઇવ થ્રૂ ટેસ્ટનો લાભ લેવા માટે પ્રાઇવેટ કેબમાં પણ આવી શકાશે. આ ટેસ્ટના પરીક્ષણ માટે ગુજરાત સરકાર દ્વારા નિર્ધારિત કર્યા મુજબ પરીક્ષણનો ખર્ચ 800 રૂપિયા રહેશે.

(8:50 pm IST)