Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

વડોદરાની ગોત્રી હોસ્‍પિટલમાં 75 અને સયાજી હોસ્‍પિટલમાં માત્ર 14 બેડ ખાલીઃ મહત્‍વની બંને હોસ્‍પિટલો ફુલ થવાના આરેઃ તંત્રમાં ચિંતા

વડોદરા: વડોદરામાં કોરોનાના સંક્રમણની સ્થિતિએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. દર્દીઓની સંખ્યામાં થઈ રહેલા વધારાને કારણે હોસ્પિટલોમાં ભરાવે થઈ રહ્યો છે. આવામાં વડોદરાની બંને મોટી સરકારી હોસ્પિટલ હાઉસફુલ થઈ ગઈ છે. વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં 725 માંથી 650 બેડ ભરાયા છે. અહીં માત્ર 75 બેડ ખાલી છે. તો સયાજી હોસ્પિટલમાં 750 માંથી 736 બેડ ભરાયા છે. આ હોસ્પિટલમાં માત્ર 14 બેડ ખાલી બેડ ફૂલ થતાં સયાજી હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત ખડકાયો છે. આ કારણે હવે કોવિડ વોર્ડની બહાર પોલીસ બંદોબસ્ત ખડકાયો છે. કોરોના ટેસ્ટ કરાવવા માટે પણ હોસ્પિટલમાં લોકોની લાંબી લાઈન લાગી છે. હોસ્પિટલમાં જગ્યા ન હોવાથી હવે દર્દીઓને અન્ય સ્થળો પર ખસેડવામાં આવી રહ્યાં છે.

હૈદરાબાદમાં 2 ટ્રક ભરીને વેન્ટિલેટર મંગાવાયા

હોસ્પિટલમાં જ્યાં એક તરફ બેડ ખૂટી રહ્યાં છે, ત્યાં બીજી તરફ વેન્ટિલેટર પણ ખૂંટી પડ્યા છે. રાતોરાત વડોદરામાં કોરોનાના દર્દીઓ માટે 100 વેન્ટિલેટર લાવવાની ફરજ પડી છે. હૈદરાબાદથી બે ટ્રક ભરીને વેન્ટિલેટર રવિવારના રોજ લાવવામાં આવ્યા છે. આ વેન્ટિલેટર ગોત્રી હોસ્પિટલ તથા સયાજી હોસ્પિટલમાં ફાળવવામાં આવશે. સાથે જ કેટલાક વેન્ટિલેટર વિનામૂલ્યે સારવાર કરતી હોસ્પિટલોને પણ આપવામાં આવશે. વેન્ટિલેટર આવવાની સાથે જ તેને ઈન્સ્ટોલ કરવાની ટીમને પણ તૈનાત કરી દેવાઈ હતી, જેથી ફટાફટ ઈન્સ્ટોલ કરીને દર્દીઓના ઉપયોગમાં લઈ શકાય.

સ્મશાન ગૃહોમં પણ બંદોબસ્ત

સરકારી તંત્ર દ્વારા વડોદરામાં કોરોનાથી થતા મોતના આંકડા છુપાવવામાં આવી રહ્યાં છે. પરંતુ કોરોનાના પ્રોટોકોલથી સ્મશાનમાં થતી અંતિમવિધિના કારણે તંત્રની પોલ ખુલ્લી પડી રહી છે. સરકારી હોસ્પિટલમાં પણ હથિયારધારી પોલીસ ગોઠવાઈ છે. તો બીજી તરફ, સ્મશાનગૃહોની બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ રહ્યો છે.

(4:42 pm IST)