Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરે સોમવતી અમાસ - શ્રી સદ્ગુરૂ દિન પર્વે દાડમોત્સવ

આજે 12 એપ્રિલના રોજ વર્ષની પહેલી સોમવતી અમાસ છે. સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહેવામાં આવે છે. આવો સંયોગ વર્ષમાં 2 અથવા ક્યારેક 3 વાર પણ બની જાય છે. આ અમાસને હિંદુ ધર્મમાં પર્વ કહેવામાં આવે છે. આ દિવસે પૂજા-પાઠ, વ્રત, સ્નાન અને દાન કરવાથી અનેક યજ્ઞનું ફળ મળે છે. સોમવતી અમાસના દિવસે તીર્થ સ્નાન કરવાથી ક્યારેક નષ્ટ ન થતું પુણ્ય મળે છે. મહાભારતમાં ભીષ્મએ યુધિષ્ઠિરને આ દિવસનું મહત્ત્વ સમજાવતા કહ્યું કે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી મનુષ્ય સમૃદ્ધ, સ્વસ્થ અને બધા દુઃખથી મુક્ત થઇ જશે. એવું પણ માનવામાં આવે છે કે સ્નાન કરવાથી પિતૃઓ પણ સંતુષ્ટ થઇ જાય છે.

ભુમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર અમદાવાદ ખાતે સોમવતી અમાસના સોમવારે  પાવન દિવસે સ્વામિનારાયણબાપા સ્વામીબાપા અને વેદ રત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં અને પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં  દાડમોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ૪૦૦ કિલો કરતાં વધારે દાડમની સ્વામિનારાયણબાપા સ્વામીબાપા સમક્ષ કલાત્મક સજાવટ કરવામાં આવી હતી. રાજભોગ આરતી દર્શન સમયે શ્રદ્ધાળુ - ભાવિકોએ ઓનલાઇન દર્શનનો લ્હાવો લીધો હતો. શ્રીજીમહારાજ સૌને સુખાકારી બક્ષે એવા શુભઆશયથી ભવ્ય  દાડમોત્સવ ઉજવાયો. ૪૦૦ કીલોથી વધુ દાડમ - ફળોનો આ ઉત્સવ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

શરીરને ફિટ અને સ્વસ્થ રાખવા માટે લગભગ દરેક ફળોનો રસ લાભકારી છે જ પણ દાડમનો રસ ખાસ કરીને વજન ઘટાડવા માટે મદદરૂપ છે. એટલે દાડમને  રોજના આહારમાં શામિલ કરવું જોઈએ. દાડમ ખાવાથી પેટની આસપાસ ચરબી ઓછી થઇ જાય છે. દાડમમાં વિટામિન એ, સી, ઈ, ફોલિક એસિડ અને એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે. દાડમમાં રહેલા વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જેથી દાડમના નિયમિત સેવનથી તાવ, શરદી, ઉધરસ જેવી બીમારીઓથી બચી શકાય છે.

 ગરમીઓમાં યોગ્ય ખાન-પાન માટે દાડમને પણ પોતાના આહારમાં શામિલ કરી લેવું જોઈએ, તેનાથી પાચન સંબંધી સમસસ્યાઓ દૂર થઇ જાય છે. દાડમ ખાવાથી દાંત સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. દાડમથી મોટી ઉંમરના લોકોમાં થતી એલ્ઝાઈમર નામની બીમારીથી પણ છુટકારો મેળવી શકાય છે.

જે રીતે અન્નકૂટમાં વાનગીઓ બનાવીને પ્રભુ સમક્ષ કલાત્મક સજાવટ કરી ધરાવવામાં આવે છે, તેવી જ રીતે ભગવાનની અસીમ પ્રસન્નતા માટે

ફળોત્સવ કરીને સંતો સેવા કરતા હોય છે.

આ વર્ષનું મહત્વ સંતો તથા હરિભક્તોમાં વધારે રહ્યું છે. ભલે વૈશ્વિક મહામારી કોરોના એ લોકોને હંફાવી અને ડરાવી દીધાં છે. પરંતુ પ્રભુના ભક્તો માટે ખાસ વાત એ છે કે આ વર્ષે તેમને સવિશેષ ભક્તિ કરવા મળી છે. પ્રભુ ભક્તિ કરી અને પુણ્યનું ભાથું બાંધવામાં વ્યસ્ત થયા છે. આવા વિકટ પરિસ્થિતિમાં પણ ભકતો ઉત્સાહ અને ભક્તિમાં તરબોળ થઈ તે તે ઉત્સવનો આનંદ ઘરબેઠા માણે છે. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીની પ્રેરણા - માર્ગદર્શન સહ શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં બિરાજમાન અધિષ્ઠાતા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ અબજીબાપાશ્રી તથા સાર્વભૌમ નાદવંશીય પરંપરાના સમક્ષ સંતોએ ભક્તિ ભાવથી ૪૦૦ કિલો કરતાં વધારે દાડમ કલાત્મક સજાવટ કરી ધરાવ્યા હતાં. આ દાડમોત્સવમાં સ્થાનિક સંતો જ જોડાયા હતા અને કોરોના માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. જોકે મંદિરમાં જે રીતે દાડમોત્સવ ઉજવવામાં આવ્યો હતો તેનાં ઓનલાઇન દર્શન કરી સૌ ભકતો તથા ભાવિકો પણ પ્રસન્ન થઈ ગયા હતા.

સદગુરુ ભગવતપ્રિયદાસજી સ્વામી મહંત

(11:57 am IST)