Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

શું કોરોના મહામારી ભાજપને લાગૂ નથી પડતી? ગુજરાત ખેડૂત સમાજ સંસ્થાની હાઇકોર્ટમાં રાવ

સંસ્થાના પરિસરમાં બેઠક યોજવા મંજૂરી નહીં જયારે ભાજપને મંજૂરી કેમ : ભેદભાવ રાખતા હોવાનો આક્ષેપ

અમદાવાદ : ગુજરાત ખેડૂત સમાજ સંસ્થાના પરિસરમાં બેઠક યોજવા મુદ્દે સુરત પોલીસ દ્વારા પરવાનગી ન આપતા ગુજરાત હાઈકોર્ટ  સમક્ષ ખેડૂતો તરફે દલીલ કરવામાં આવી હતી. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે, ખેડૂતોને મિટિંગ માટે મંજૂરી ના આપવાનો નિર્ણય ભેદભાવ ભર્યો છે. પોલીસ દ્વારા રાજ્યમાં શાસક પક્ષ ભાજપને કોરોના મહામારીમાં પણ મિટિંગ યોજવાની મંજૂરી આપે છે.

 ગુજરાત હાઈકોર્ટમાં  ખેડૂતો તરફે રજૂઆત કરવામાં આવી છે કે, સુરત પોલીસ દ્વારા ખેડૂતોને મિટિંગ ન કરવા દેવાનો આદેશ ભેદભાવપૂર્ણ છે. પોલીસ 3 કૃષિ કાયદાના સમર્થનમાં ભાજપને મિટિંગ કરવાની મંજૂરી આપે છે, પરંતુ અરજદાર ખેડૂતોને મિટિંગની મંજૂરી આપવામાં આવતી નથી.

ખેડૂત સમાજ સંસ્થાના એડવોકેટ આનંદ યાજ્ઞિક તરફથી રજૂઆત કરવામાં આવી કે, શુ કોરોના મહામારી શાસક પક્ષ ભાજપને લાગુ પડતી નથી? કોરોના મહામારી નામે સ્તાધીશો દ્વારા જાણી જોઈને મંજૂરી આપવામાં આવતી ન હોવાનો આક્ષેપ કર્યો હતો. ખેડૂતો દ્વારા કોવિડ-19 ગાઈડલાઈનનું  પાલન કરવાની તૈયારી સાથે મંજૂરી મંગવામાં આવી હતી. તેમ છતાં તેમની અરજી ફગાવી દેવાઈ છે

 

આ સિવાય ખેડૂત આજ સંસ્થા ફરીવાર 16મી કે 17મી જાન્યુઆરીના રોજ પોતાના કાર્યાલય પરિસરમાં મિટિંગ યોજવાની મંજૂરીની માંગ કરી છે. આ મિટિંગ 10 ચો.મી વિસ્તારમાં યોજાશે. જ્યાં પીવાના પાણી, ટોઇલેટ સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ખેડૂતો કોવિડ ગાઈડલાઈનનું પાલન કરશે.

16મી કે 17મી જાન્યુઆરીના રોજ યોજાનાર બેઠકમાં ગુજરાતના અર્થશાસ્ત્રી – હેમંત શાહ, સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણ, ગુજરાત હાઈકોર્ટના વકીલ આનંદ યાજ્ઞિક અને ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ ખેડૂતોને સંબોધશે.

ગુજરાત ખેડૂત સમાજ સંસ્થા દ્વારા ખેડૂતોના મુદાને લઈને ચર્ચા કરવા માટે સુરત પોલીસ દ્વારા મંજૂરી ન આપતા ગુજરાત હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટમાં પોલીસ મંજૂરી ન આપવાના આદેશને રદ કરવાની દાદ મંગવામાં આવી હતી.

ગુજરાત ખેડૂત સમાજ નામની સંસ્થા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી. જેમાં રજુઆત કરવામાં આવી છે કે કોવિડ19 સેફટી પ્રોટોકલનું પાલન કરવાની ખાતરી બાદ પણ સુરત પોલીસ દ્વારા તેમને સંસ્થાના પરિસરમાં બેઠક યોજવાની મંજૂરી આપવામાં આવી નથી. સુરત પોલીસનું આ પ્રકારનું વલણ બંધારણના અનુછેદ 19નું ઉલ્લંઘન છે.

પોલીસ તરફે મંજૂરી ન આપવા માટેના કારણો પૈકીના એક કારણમાં જણાવાયું હતું કે દિલ્હી પાસે ખેડૂતો વિરુદ્ધ કરી રહ્યા છે, ત્યારે મિટિંગમાં તેમનું સમર્થન થઈ શકે અને રાજ્ય અને કેન્દ્ર સરકારનો વિરોધ પણ થઈ શકે. આ જવાબના વિરુદ્ધમાં ખેડૂતો રિટમાં દલીલ આપવામાં આવી છે કે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું શાબ્દિક રૂપે વિરોધ કે સમર્થન કરવું બંધારણના અનુછેદ 19 હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્ર હેઠળ આવે છે.

આ રિટમાં દલીલ કરવામાં આવી છે કે કોરોના મહામારી વચ્ચે રાજનૈતિક દળને જાહેર મિટિંગ અને રેલી કાઢવાની પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવે છે. જ્યારે અરજદાર ખેડૂત સંસ્થાને મંજૂરી આપવામાં આવતી નથી. આ પ્રકારનું વલણ બંધારણના અનુછેદ 14, 19 અને 21નું ઉલ્લંઘન છે. બોમ્બે પોલીસ એકટ 1951 પ્રમાણે પણ મિટિંગ યોજવા બાબતે બીજા પક્ષને સાંભળ્યા વગર મંજૂરી રદ કરી શકાય નહિ.

અરજદાર ખેડૂત સંસ્થાએ 3 જાન્યુઆરી 2021ના રોજ સુરત ખાતે આવેલા તેમની સંસ્થાના પરિસરમાં કોવિડ19 સેફટી પ્રોટોકોલની ખાતરી સાથે માંગેલી પરવાનગીના જવાબમાં પોલિસ દ્વારા કોરોના મહામારી, મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થશે તો કોવિડ-19 ગાઈડલાઈનનું ભંગ થશે તેવો જવાબ આપી ખેડૂતોની મિટિંગની પરવાનગી આપી નહિ.

(7:00 pm IST)