Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

વૈવિધ્યસભર ફયૂઝન સાથે ગુજરાતમાં વીસ પ્રકારના ઊંધિયાની જામતી જ્યાફત

માટલા ઊંધિયું અને ઉંબડિયામાં તેલનો વપરાશ નહિવત હોવાથી સ્વાસ્થ્ય માટે લાભદાયી

વડોદરા તા. ૧૩ : ગુજરાતમાં વિવિધ સ્વાદ અનુસાર મિકસ વેજિટેબલ સબજી બનાવવાનો રિવાજ છે. થોડી વિશિષ્ટ રીતે બનાવવામાં આવેલી મિકસ વેજિટેબલને ઊંધિયું કહેવામાં આવે છે. સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં પ્રારંભ થયેલી આ વાનગીને ઊંધા મૂકેલા માટલામાં બનાવવામાં આવતી હતી. માટલામાં શાકભાજી મૂકીને માટલું ઊંધું મૂકવામાં આવતું હોવાથી તેને ઊંધિયું તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં વીસ કરતાં વધુ પ્રકારનાં ઊંધિયા બનાવવામાં આવે છે.

 

માટલા ઊંધિયું તેમજ ઉંબાડિયામાં શાકને બાફવામાં આવતું હોવાથી સ્વાસ્થ્યની દૃષ્ટિએ લાભદાયી હોય છે, તેમાં તેલનો વપરાશ ખાસ હોતો નથી. મોટેભાગે ગ્રીન ચટણીઓ વપરાતી હોવાથી આ બંને ઊંધિયા સ્વાસ્થ્યપ્રદ છે. વડોદરાનાં રસોઇ નિષ્ણાત સેજલ ભાલાવતે આ પ્રમાણે માહિતી આપી હતી. રસોઇકલામાં નિષ્ણાત સેજલ ભાલાવતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વીસ કરતાં વધુ પ્રકારનાં ઊંધિયાં બનાવવામાં આવે છે.

સુરતી ઊંધિયું, ઉંબાડિયું, કાઠિયાવાડી ઊંધિયું, માટલા ઊંધિયું, પંજાબી ઊંધિયું, ગુજરાતી ઊંધિયું વગેરે મુખ્યત્વે છે. આ ઉપરાંત તમામ ઊંધિયાઓના ફયૂઝન કરીને જાત જાતનાં ઊંધિયા બનાવવામાં આવે છે. ઊંધિયામાં તલનું તેલ અથવા સિંગતેલનો વપરાશ થતો હોય છે. તલનું તેલ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.

ઊંધિયા સાથે શ્રીખંડ-પૂરી!

અગાઉ ઊંધિયા જોડે જલેબીને બદલે શ્રીખંડ-પૂરીનો રિવાજ હતો. દક્ષીણ ભારતમાં લીલા નાળિયેર સાથે ઊંધિયું બને છે.(૨૧.૫)

નામ એક... સ્વાદ અનેક

કાઠિયાવાડી ઊંધિયામાં રેડ મસાલા ઊંધિયું તેમજ કાઠિયાવાડી ગ્રીન મસાલા ઊંધિયું બનાવાય છે. ગુજરાતી અને કાઠિયાવાડી ઊંધિયામાં માત્ર સ્વાદનો ફરક હોય છે. કાઠિયાવાડી ઊંધિયું પ્રમાણમાં તીખું હોય છે, જયારે ગુજરાતી ઊંધિયું ગળ્યું હોય છે. પંજાબીમાં ડુંગળી, લસણ, ટામેટાંની ગ્રેવીમાં ઊંધિયું બનાવાય છે. ગ્રીન ઊંધિયામાં બધા જ લીલા મસાલાનો ઉપયોગ કરાય છે. સૂકા અને લીલા મસાલામાં વપરાતાં હોવાથી સૌથી વધુ ફ્રેશ ફિલિંગ ગ્રીન ઊંધિયું છે. મરીમસાલા અને તેલથી ભરપૂર સુરતી ઊંધિયાના સ્વાદની મજા જ અનોખી હોય છે.

ચરોતરમાં ઊંધિયા સાથે ખાટિયું વધુ પ્રચલિત

માટલા ઊંધિયુ અને ઉંબડિયામાં તલનું તેલનું વપરાય છે. ઉંબડિયું મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં થાય છે. તેને માટલા ઊંધિયુંની જેમ બનાવાય છે, પણ તેમાં કલારની ભાજી નખાતી હોવાથી સુંદર સુવાસ આવતી હોય છે. જયારે ચરોતરમાં બનતાં ખટિયામાં ખજૂૂર, આમલી, ગોળ, કોપરાનું છીણ, સિંગદણા અને તલનો ભૂકો, ધાણાજીરું, તજ, મરી, બાદિયાં, રઇ-જીરૂ, કાજુ-દ્રાક્ષ નાખીને ઉકાળીને બનાવાય છે.

(9:49 am IST)