Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

રાજ્યમાં દિવાળી વેળાએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો : 15 લાખની 7 ટન મીઠાઈનો નાશ કરાયો

ભેળસેળ કરતા વેપારી પાસેથી ડ્રગ્સ વિભાગ દ્વારા કુલ 18 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરાયો

અમદાવાદ : રાજ્યમાં દિવાળીના તહેવારો દરમિયાન લોકો મીઠાઈ ઉપર વધારે ખરીદી કરતા હોય છે અને મીઠાઈની દુકાન ઉપર લાંબી લાઈનો પણ લાગ્યું હોય છે ત્યારે વધુ નફો કમાવવા માટે વેપારીઓ મીઠાઈ ની અંદર અનેક વસ્તુઓનું મિશ્રણ પણ કરતા હોય છે જે આરોગ્ય માટે હાનિકારક હોય છે આ તહેવારો દરમિયાન રાજ્યમાં કોઈ પણ નાગરિકને ખરાબ મીઠાઈ ન પહોંચે તેને ધ્યાનમાં લઇને રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાસ સર્વેલન્સ ગોઠવીને 15 લાખના કુલ 7 ટન જેટલી બોગસ મીઠાઈ નો નાશ કરવામાં આવ્યો છે.

    બોગસ મીઠાઈ બાબતે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર એચ.જી કોશિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં ફૂડ વિભાગ દ્વારા અલગ-અલગ જિલ્લામાં રેડ અને તપાસ કરવામાં આવી છે. આ તપાસ દરમિયાન અનેક વેપારીઓએ મીઠાઈમાં અખાદ્ય મિશ્રણ મિક્સ કર્યું હોવાની વાત સામે આવી છે. આ દરમિયાનમાં વિભાગની તપાસમાં કુલ સાત ટન જેટલો મુદ્દામાલ જપ્ત કરીને તેનો નાશ કરવામાં આવ્યો છે. જ્યારે આ જપ્ત કરેલ મુદ્દામાલની કિંમત 15 લાખની આસપાસ થાય છે..જ્યારે બીજા 15,000 સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.

   જે વેપારી મીઠાઈમાં અથવા તો ખાદ્ય ચીજવસ્તુઓમાં મિશ્રણ કરીને વધુ નફો રળવાની કોશિશ કરશે અને જો તેઓ ઝડપાઇ જશે તો કાયદેસરની તેના વિરૂદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે. જ્યારે કસૂરવાર વેપારીઓ વિરુદ્ધમાં બે લાખ રૂપિયાના દંડની પણ જોગવાઈ છે. અત્યાર સુધીમાં ડ્રગ્સ વિભાગ દ્વારા કુલ 18 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં  આવ્યો છે

 

(7:15 pm IST)