Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

પાટણના રાધનપુરમાં 2 અને કચ્‍છના રાપરમાં 1.6ની તિવ્રતાના ભૂકંપના હળવા આંચકા

અમદાવાદ : ગુજરાતમાં પાટણના રાધનપુર અને કચ્છના રાપરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. પાટણના રાધનપુરમાં 2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો જ્યારે કચ્છના રાપરમાં 1.6ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. ભૂકંપના કેન્દ્રબિંદુની વાત કરીએ તો રાધનપુરથી 30 કિમી દૂર અને રાપરથી 21 કિમી દૂર આવેલું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થોડાં દિવસો પહેલાં ભરૂચ અને સુરતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. 2થી 3 સેકન્ડ સુધી ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતાં. ભરૂચ અને સુરતમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. લોકો પોતપોતાની ઓફિસ અને ઘરમાંથી બહાર દોડીને આવી ગયા હતાં. ભરૂચમાં 4.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

નોંધનીય છે કે, રાજ્યના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતાં. રાજ્યમાં વડોદરાના સાવલીમાં, સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ ગોધરા, હાલોલ, પંચમહાલ અને આણંદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં.

સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતાં. ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં 03:39:22 મિનીટે 4.3ની તીવ્રતાનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ઊભો થઇ ગયો હતો. 21.653 અક્ષાંશ અને 73.318 રેખાંશ પર આંચકા અનુભવાયા હતાં. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભરૂચથી 36 કિમી દૂર નેત્રંગ તાલુકામાં મોટા માલપર ગામે નોંધાયું હતું.

(4:38 pm IST)