Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

શિવાંશના જન્મ સમયે હોસ્પિટલના ડોક્યુમેન્ટમાં સચિન અને હીનાએ પતિ પત્નીની ઓળખ બતાવી

શિવાંશનો જન્મ બોપલની સંગીતા હોસ્પિટલમાં થયો: હીનાએ પોતાનું નામ મહેંદી લખાવ્યું હતું

અમદાવાદ :ચકચારી હીના મર્ડર કેસમાં નવા નવા રહસ્યો પરથી પોલીસ પરદા ઉઠાવી રહી છે. સચિન અને હીનાના બાળક શિવાંશનો જન્મ બોપલની સંગીતા હોસ્પિટલમાં થયો હતો. સચિન જ એ વ્યક્તિ છે જેણે પોતાની લિવ-ઇન પાર્ટનર હીનાની હત્યા કરી અને પછી 10 માસના માસૂમ બાળકને રાત્રીના અંધકારમાં તરછોડી દીધો હતો.

પોલીસની એક ટીમ હાલમાં સંગીતા હોસ્પિટલમાં વધુ તપાસ કરી રહી છે. પોલીસને જાણવા મળ્યું હતું કે શિવાંશના જન્મ સમયે હીનાએ પોતાનું નામ મહેંદી લખાવ્યું હતું. ગાંધીનગર પોલીસે આજે આરોપી સચિન દિક્ષિતને સાથે રાખીને પંચનામું પણ કર્યું હતું.

હીના અને સચિન દીક્ષિતે હોસ્પિટલમાં પોતાની ઓળખ પતિ-પત્ની તરીકે આપી હોવાનું તપાસમાં સામે આવ્યું છે જો કે, આ બન્ને લીવઈન રહેતા હતા. સંગીતા હોસ્પિટલમાંથી પોલીસે બાળકના જન્મને લગતા જરૂરી ડોક્યુમેન્ટ એકત્રિત કર્યા છે. શિવાંશના જન્મ પહેલાં 6 માસના ગર્ભાવસ્થા દરમ્યાન હીના અને સચિન સંગીતા હોસ્પિટલમાં જ ચેકઅપ કરાવવા જતા હતા. તે સમયે હીનાએ ત્યાં પોતાનું નામ મહેંદી લખાવ્યું હતું.

આ ઉપરાંત શિવાંશને બોપલ ખાતે આવેલી ચાઈલ્ડહુડ હોસ્પિટલમાં નિયમિત રસી અપાતી હતી. ડોકટરના મતે વેક્સિનેશન સમયે પણ સચિન અને હીના શિવાંશના માતાપિતા તરીકે જ આવતા હતા. બાળકોના ડોક્ટર મેહુલ શાહે શિવાંશને બધી વેક્સિન આપી હતી. છેલ્લે મે 2021માં શિવાંશને આ હોસ્પિટલમાં વેક્સિન આપવામાં આવી હતી. પોલીસ તપાસમાં ડોક્ટરે તમામ સહયોગ આપીને વેક્સિન, વાલી અને પેમેન્ટ સહિતની વિગતો આપી હતી.

આરોપી પતિ સચિનને પોલીસ દ્વારા તપાસ અર્થે તેના અમદાવાદના ઘરે બોપલ લઈ જવામાં આવ્યો હતો. જયા પોલીસને ઘણા એવા પુરાવા મળ્યા છે. આરોપીના ઘરમાંથી બે મોબાઈલ ફોન મળી આવ્યા છે. આ મોબાઈલ ફોન હીનાના હોવાનું પોલીસ અનુમાન લગાવે છે. આ મોબાઈલ પોલીસને તપાસમાં મદદરૂપ થાય તેવી પ્રબળ શક્યતા છે.

બોપલ વિસ્તારમાં ટીમ સચિનને લઈને ગઈ છે. જે જગ્યાએ બાળક મળેલું એ જગ્યાએ ઘટનાને રિકન્સ્ટ્રક્ટ કરવામાં આવી હતી. અત્યારે અમારી ટીમ હિનાની માતા અને માસીની તપાસ કરી રહ્યા છે અને તેમના નિવેદન લઇ રહી છે. સચિન અને યુવતી હીનાના મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા છે.અમદાવાદની તપાસ પૂરી થાય એટલે વડોદરા લઈ જવામાં આવશે.

(12:13 am IST)