Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ખેડામાં જનઆશીર્વાદ યાત્રામાં નોટોનો વરસાદ

નવઘણ ભરવાડનો વીડિયો વાયરલ થયો : ચોંકાવનારી બાબત એ છે કે નોટોનો વરસાદ કરનાર નવઘણના પિતા સામે પોલીસ ફરિયાદ થયેલી છે અને તે હાલ ફરાર છે

ખેડા,  તા.૧૨ : રાજ્યમાં હાલમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના નવનિયુક્ત મંત્રીઓની જનઆશીર્વાદ યાત્રા યોજાઈ રહી છે. આ યાત્રાઓમાં લોકોની મોટી ભીડ પણ એકઠી થઈ રહી છે. ગઈકાલે રાજ્યના કેબિનેટ મંત્રી અર્જૂનસિંહની જનઆશીર્વાદ યાત્રા ખેડા જિલ્લામાં યોજાઈ હતી. આ જનઆશીર્વાદ યાત્રામાં નોટોનો વરસાદ થયો છે. નોટોના વરસાદનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

અર્જુનસિંહની જનઆશીર્વાદ યાત્રામાં નવઘણ ભરવાડ નામના શખ્સે નોટોનો વરસાદ કર્યો છે. જોકે, સૌથી ચોંકાવનારી બાબત એ છે કે નોટોનો વરસાદ કરનાર વ્યક્તિના પિતા સામે પોલીસ ફરિયાદ થયેલી છે અને તે હાલમાં ફરાર છે. બનાવની વિગતો એવી છે કે નવઘણા પિતા ભાનુભાઈ સામે પોલીસ ફરિયાદ થયેલી છે અને તેને પકડવા માટે બિલોદરા ગામના લોકોએ કલેક્ટરને આવેદન આપેલું છે, જોકે તેની વિપરીત તેમના પુત્રએ જાહેરમાં નોટોનો વરસાદ કરતા મામલો ગરમાયો હતો. નવઘણ ભરવાડનો નોટોના વરસાદ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉપરાંત હાજર લોકોએ માસ્ક પહેર્યો હોય તેવું પણ જણાતું નથી. રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના નવનિયુક્ત મંત્રીઓની જનઆશીર્વાદ યાત્રાઓમાં ઠેર ઠેર માનવ મહેરામણ ઉમટી રહ્યુ છે.

વીડિયોમાં જોવ મળતો વ્યક્તિ ડીજે સાથે વાહન પર સવાર છે ત્યાંથી નીચે ટોળા પર નોટોનો વરસાદ કરી રહ્યો છે. અર્જુનસિંહ ચૌહાણ મહેમદાવાદના ધારાસભ્ય છે અને ખેડા જિલ્લાના ભાજપ પ્રમુખ છે. નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં અર્જુનસિંહને ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના મંત્રી બનાવવામાં આવ્યાં છે. સ્વાભાવિક પ્રમાણે પોતાના વિસ્તારના નેતાને કેબિનટ મંત્રીનું સ્થાન મળે ત્યારે લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળતો હોય છે પરંતુ આવી સ્થિતિમાં આ પ્રકારે રૂપિયાનો વરસાદ થવો કેટલો યોગ્ય તે હવે લોકોએ જ જોવાનું રહ્યુ, હાલ તો આ વીડિયોએ સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે અને વીડિયો સોશિયલ મીડિયામાં વયારલ થઈ રહ્યો છે.

(9:04 pm IST)