Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

૧૫૦૦ કરોડની છેતરપિંડી કરનાર અનમોલ શેઠ ઝબ્બે

અનમોલ શેઠે ૫૦૦થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી : શેઠે પોતાની કંપનીની અલગ અલગ સ્કીમમાં રોકાણ કરીને ૧૨ ટકે વ્યાજ સહિત રૂપિયા આપવાની સ્કીમ શરૂ કરી હતી

અમદાવાદ,  તા.૧૨ : છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ અનમોલ શેઠની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના જેસલમેર ખાતેથી ધરપકડ કરી લીધી છે. રૂપિયા ૧૪ લાખની છેતરપિંડીના કેસમાં અનમોલ શેઠની ધરપકડ કરવામાં આવી છે. અંદાજિત ૧૫૦૦ કરોડ રૂપિયાનું ફુલેકુ અનમોલ શેઠ દ્વારા ફેરવવામાં આવ્યું હોવાની વાત સામે આવી રહી છે. અનમોલ શેઠની ધરપકડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી છે અને જેની સાથે જ ભોગ બનનાર લોકોને રાહતનો શ્વાસ આવ્યો છે. પરંતુ રોકાણકારોના રૂપિયા પરત મળશે કે નહીં તેને લઈને મોટો પ્રશ્નાર્થ ચિન્હ છે. અનિલ સ્ટાર્ચ મિલના ડિરેકટર અનોમલ શેઠ દ્વારા પોતાની કંપનીની અલગ અલગ સ્કીમમાં રોકાણ કરીને ૧૨ ટકે વ્યાજ સહિત રૂપિયા આપવાની સ્કીમ શરૂ કરી હતી.

જેમાં વર્ષ ૨૦૧૫ સુધી તો બરોબર ચાલ્યું પરંતુ ત્યારબાદ રોકાણકારોના પૈસા આવવાના બંધ થઈ ગયા હતા. બાદમાં જ્યારે હોબાળો થયો ત્યારે અનમોલ શેઠ દ્વારા શેરના ડિવિડન્ટ સ્વરુપે રોકાણકારોને ચેક આપવામાં આવ્યા અને તે ચેક પણ બાઉન્સ થતા રોકાણકારોએ રાતા પાણએ રોવાનો વારો આવ્યો હતો. અનમોલ શેઠની ધરપકડ બાદ આજ રોજ તેના રિમાન્ડ પુરા થતાં નામદાર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે. મહત્વની બાબત એ પણ છે કે ૩૦૦થી પણ વધુ અરજીઓ એનસીએલટી કોર્ટના ચોપડે નોંધાઈ ચૂકી છે. હાલ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી અનમોલ શેઠ અને તેની સાથેના એક વ્યક્તિ શિવપ્રસાદ કાબરની હાલ ધરપકડ કરી લીધી છે. અનમોલ શેઠની ધરપકડ થતાની સાથે જ અલગ રાજ્યોમાંથી લોકો ફરિયાદ કરવામાં માટે ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી રહ્યા છે. હાલ આ મામલે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓનું કહેવું છે કે તપાસ ચાલુ છે અને ખરેખર કેટલા કરોડનું કૌભાંડ છે તે તપાસ બાદ બહાર આવશે. હાલ તો ૫૦૦થી વધુ લોકોના રૂપિયા ફસાયા હોવાની વાત સામે આવી રહી છે.

(9:04 pm IST)