Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

વિધાનસભા ચૂંટણીમાં ૧૦૦ જેટલા વર્તમાન MLAની ટિકિટ કપાવવાનો પાટીલનો સંકેત

કોને ટિકિટ આપવી અને કોની કાપવી તે બધા નિર્ણય ઉપરથી લેવાય છેઃ કોઈને ટિકિટ ના મળે તો મારી પાસે ના આવતાઃ પાટીલ

અમદાવાદ, તા.૧૨: રૂપાણીની વિદાય બાદ ભાજપમાં નો રિપીટ થિયરી' આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ જોવા મળે તેવા સંકેત પક્ષના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આપ્યા છે. હિંમતનગરમાં એક કાર્યક્રમમાં બોલતા પાટીલે જણાવ્યું હતું કે ૨૦૨૨ના અંતમાં આવી રહેલી વિધાનસભામાં ૧૦૦ નવા ઉમેદવારોને તક આપવામાં આવશે. આમ, પાટીલે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે, હાલના મોટાભાગના ધારાસભ્યોની ટિકિટ કપાવવાનું નક્કી છે. સાથે તેમણે રમૂજમાં એવું પણ કહ્યું હતું કે કાર્યક્રમમાં હાજર કોઈ ધારાસભ્ય બંધબેસતી પાઘડી ના પહેરે.

સી.આર. પાટીલે જણાવ્યું હતું કે કોને ટિકિટ આપવી, અને કોની ટિકિટ કાપવી તેનો નિર્ણય ઉપરથી લેવાય છે. જેથી, કોઈની ટિકિટ કપાય તો મારી પાસે ના આવતા. તેમણે કહ્યું હતું કે ટિકિટની વહેંચણીમાં મારો કોઈ રોલ જ નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે ઉપરથી ટિકિટ અપાતા પહેલા પાંચ-છ જગ્યાએથી સર્વે કરાવવામાં આવે છે. જેમાં જે વ્યકિતની લોકપ્રિયતા હોય તેમજ જેણે મહેનત કરી હોવાનું જણાય તેવા લોકોને ટિકિટ આપવામાં આવે છે.

એકથી વધુ ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂકેલા MLAના પત્તાં કપાશે તેવો સંકેત આપતા પાટીલે કહ્યું હતું કે, કેટલાક ધારાભ્યો નિવૃત્ત્। પણ થવાના છે, અને ૭૦ નવા શોધવાના છે.. મતલબ કે, ૧૦૦ તો નવા ચહેરા થઈ જ જશે. પાટીલે કહ્યું હતું કે જેમની સામે ફરિયાદ હશે, જેઓ સક્રિય નહીં રહ્યા હોય તેમના પર પક્ષ વિચાર નહીં કરે.ઉલ્લેખનીય છે કે, ભાજપે ગયા મહિને જ રાજયમાં પૂર્વ સીએમ રુપાણી તેમજ તેમના મંત્રીમંડળને રુખસદ આપી દીધી હતી. તેમના સ્થાને ભૂપેન્દ્ર પટેલને ગુજરાતની સત્ત્।ા સોંપવામાં આવી છે. ભૂપેન્દ્રભાઇ પટેલના મંત્રીમંડળમાં રુપાણીના એકેય મંત્રીને સ્થાન નથી મળ્યું. આમ, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સહિતના પૂર્વ મંત્રીઓનો હવે સરકારમાં કોઈ રોલ નથી રહ્યો. એટલું જ નહીં, તાજેતરમાં યોજાયેલી ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં પણ નો રિપીટ થિયરી અપનાવાઈ હતી, અને આ ચૂંટણીમાં ભાજપની મોટી જીત પણ થઈ છે.

રાજયમાં ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પોતાના કાર્યકાળની અત્યારસુધીની સૌથી ઓછી એટલે કે ૯૯ બેઠકો મળી હતી. તે ચૂંટણીમાં ભાજપે ૧૫૦ બેઠકો જીતવાનો ટાર્ગેટ રાખ્યો હતો. જોકે, ૨૦૨૨ની ચૂંટણીમાં ભાજપ માધવસિંહ સોલંકીનો પણ રેકોર્ડ તોડવા માગે છે. પક્ષના પ્રમુખ સી.આર. પાટીલ પણ ઘણીવાર કહી ચૂકયા છે કે, ૨૦૨૨માં કાર્યકરો તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો પર જીત મેળવવા માટે કામે લાગી જાય.

ગુજરાતમાં ૨૦૨૨ના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આમ, ચૂંટણીને ખાસ સમય બાકી નથી રહ્યો ત્યારે પક્ષે સરકારમાં ધરખમ ફેરબદલ કરીને એન્ટિઈનકમ્બન્સી ફેકટર તેમજ સરકારની કામગીરી સામેની નારાજગી દૂર કરવા ઉપરાંત જ્ઞાતિના સમીકરણોને યોગ્ય કરવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે. આ નો રિપીટ થિયરીને હવે પક્ષ વિધાનસભા ચૂંટણીમાં પણ અમલમાં મૂકશે તેવી દ્યણા સમયથી અટકળો હતી જ, જેને પક્ષ પ્રમુખે હવે આડકતરી રીતે સમર્થન આપ્યું છે. હવે જોવાનું એ રહે છે કે, નો રિપીટ થિયરી ભાજપને વિધાનસભા ચૂંટણીમાં કેટલો ફાયદો કરાવે છે.(૨૩.૨૦)

   હિંમતનગરમાં યોજાયેલા પક્ષના એક કાર્યક્રમમાં પાટીલે કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં ૧૦૦ નવા ચહેરા હશે

   કાર્યક્રમમાં હાજર કોઈ ધારાસભ્ય બંધબેસતી પાદ્યડી ના પહેરી લે તેવી પણ પાટીલે ટકોર કરી

   પાટીલના નિવેદન બાદ વર્તમાન ધારાસભ્યોમાંથી કોની ટિકિટ કપાશે તે અંગે જાતભાતની અટકળો

(4:03 pm IST)