Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

અમદાવાદ વિભાગમાં પ્રથમ મહિલા ડ્રાઇવર શિખા રાઠોડ હવે પેસેન્જર ટ્રેન દોડાવાશે

અગાઉ માલગાડીઓમાં જવાબદારી સંભાળ્યા બાદ પેસેન્જર મેલ-એક્સપ્રેસ ગાડીમાં સહાયક ડ્રાઇવર તરીકે સુકાન સોંપાયું

અમદાવાદ :પશ્ચિમ રેલવેમાં અમદાવાદ વિભાગમાં મેલ-એક્સપ્રેસ ટ્રેનમા સહાયક લોકો પાયલટના રૂપમાં શિખા રાઠોડ નામની મહિલાએ કામગીરી સંભાળી લીધી છે. આ અગાઉ માલગાડીઓમાં જવાબદારી સંભાળ્યા બાદ તેઓને પેસેન્જર મેલ-એક્સપ્રેસ ગાડીમાં સહાયક ડ્રાઇવર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ અમદાવાદ વિભાગની પ્રથમ મહિલા ટ્રેન ડ્રાઇવર બની ગયા છે.

 શિખા રાઠોડે 9 ઓક્ટોબરે ટ્રેન નં. 06614 અને જ્યારે તા.10 ઓક્ટોબરે ટ્રેન નં.06613 કોઇમ્બતુર-રાજકોટ-કોઇમ્બતુર એક્સપ્રેસમાં મહિલા સહાયક લોકો પાયલટની જવાબદારી સંભાળી હતી. તેઓએ અમદાવાદથી રાજકોટ વચ્ચે સતર્કતાપુર્વક ટ્રેન દોડાવી હતી. પશ્ચિમ રેલવેના અન્ય વિભાગોમાં મેલ-એક્સપેસ ટ્રેનોમાં મહિલા પાયલટ છે. પરંતુ અમદાવાદ વિભાગમાં આ પ્રથમ મહિલા છે કે જે પેસેન્જર ટ્રેનમાં લોકો પાયલટની જવાબદારી સંભાળી છે.

માલગાડીઓમાં વર્ષ 2012થી મહિલા સહાયક લોકો પાયલટ કાર્યરત છે. પરંતુ મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં કોઇ મહિલાને ડ્રાઇવર તરીકેની જવાબદારી સોંપાઇ હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. વટવા ગુડ્સ લોબીમાં યોજાયેલા એક સમારંભમાં શિખા રાઠોડનો વિદાય સમારંભ યોજાયો હતો. હવે તે માલગાડીઓની કમાન છોડીને પેસેન્જર ટ્રેનની કમાન હાથમાં લેવા જઇ રહ્યા હોવાથી તમામ લોકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

બીજીતરફ અમદાવાદમાં પેસેન્જર ટ્રેન લોબીમાં આ મહિલા ડ્રાઇવરનું સન્માન કરીને તેઓને તેમની નવી જવાબદારી બદલ અભિનંદન પાઠવ્યા હતા. ટ્રેનમાં ડ્રાઇવરની જવાબદારી વધુ હોય છે. મુસાફરોને હેમખેમ તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવાની જવાબદારી હોય છે. સિગ્નલ,બ્રેક,સ્પીડ,સ્ટેશન સ્ટોપેજ, હવામાન સહિતની વિવિધ સ્થિતિઓ પર બાજનજર રાખવી પડે છે. અમદાવાદ વિભાગમાં મહિલા ડ્રાઇવર હવે ટ્રેન દોડાવી રહી છે તે મહિલા સશક્તિકરણનું વધુ એક તા ઉદાહરણ છે. ટ્રેનોમા મહિલાઓ કપરી,અઘરી જવાબદારીઓ લઇ રહી છે.

(11:53 am IST)