Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

અમદાવાદમાં વીર ભગતસિંહની પ્રતિમા પાસે લગાવેલાં હોર્ડીંગ્સ, પોસ્ટર, બેનર હટાવવા માંગ

હોર્ડીંગ્સ, પોસ્ટરોના કારણે પ્રતિમા ઢંકાઇ જતી હોવાથી શહીદનું અપમાન: માનવ અધિકાર ગ્રુપ દ્વારા મેયર સમક્ષ રજૂઆત

અમદાવાદ : શહેરમાં ઠેર ઠેર જાહેર માર્ગો પર હોર્ડીંગ્સ, પોસ્ટર, બેનરો જોવા મળે છે. આટલું ઓછું હોય તેમ શહેરના ખોખરા સર્કલ ખાતે આવેલા શહેરમાં એકમાત્ર વીર ભગતસીંહની પ્રતિમાની આસપાસ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના થાંભલાઓની વચ્ચે પણ પોસ્ટરો, બેનરો લગાવીને શહીદ વીર ભગતસીંહનું અપમાન કરવામાં આવે છે. એટલું જ નહી પરંતુ પ્રતિમાની આસપાસ પોસ્ટર, બેનરોના કારણે વીર શહીદની પ્રતિમા ઢંકાઇ જાય છે. જેથી પ્રતિમા આગળ મૂકવામાં આવેલા હોર્ડીંગ્સ તાત્કાલિક અસરથી દૂર કરવાની માંગણી કરતું આવેદનપત્ર અમદાવાદ શહેરના મેયરને આપવામાં આવ્યું છે.

માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ તથા પૂર્વ મ્યુનિ. કમિશનર જયોર્જ ડાયસની આગેવાની હેઠળ આજે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના મેયર કીરીટ પરમારને સુપ્રત કરેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, તાજેતરમાં શહીદ વીર ભગતસિંહની જન્મતિથિએ તેમની પ્રતિમા ઢંકાઇ જાય તે રીતે પોસ્ટરો, બેનરો, થાંભલાઓ પર લગાવવામાં આવેલા હતા. તે જોઇ નાગરિકોની લાગણી દુભાઇ હતી.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, સીસીટીવી કેમેરાના થાંભલાઓ સુરક્ષા માટે અનિવાર્ય હોય તો બંને વચ્ચે એટલું અંતર રાખે જેથી કોઇ પોસ્ટર, બેનરો લગાવી ન શકે, કેમ કે પ્રતિમાની આગળ જ આ બે થાંભલા વચ્ચેનું અંતર ઓછું હોવાથી મ્યુનિ. કોર્પોરેશન સહિત વિવિધ રાજકીય પક્ષો તથા અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ દ્રારા પોસ્ટર, બેનર હોર્ડીંગ્સ તરીકે તેનો ઉપયોગ કરે છે. દેશની આઝાદી માટે બલિદાન આપનારા વીર ભગતસીંહ સામાન્ય અને માન મરતબો જળવાય તે માટે આ થાંભાલા દૂર કરવા જોઇએ તેવી માંગણી કરી છે.

વીર શહીદસિંહની પ્રતિમા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલી છે. તેમનું માન, સન્માન જળવાય તેની તકેદારી રાખવાની જવાબદારી મ્યુનિ. કોર્પોરેશનની છે. માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્રતિમાની સામે બેનરો લગાવે નહીં કે લગાવવા દે નહીં તે માટેના નોટીસ બોર્ડ મૂકવા તેમજ જેમણે આ હોર્ડીંગ્સ, બેનરો લગાવ્યા છે તાત્કાલિક અસરથી દૂર કરીને શહીદ વીર ભગતસિંહનું માન જળવાય તે પ્રકારના પગલાં ભરવા માંગણી કરી છે.

માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ સાથે કાલીઅપ્પન મુદલિયાર, યશ ચૈધરી, નોવેલ કિશ્ચિન, જહોનભાઇ ડાભી વગેરે લોકો જોડાયેલા હતા.

(9:31 am IST)