Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

સુરતની વિનસ હૉસ્પિટલમાં મહિલાના મોતથી ચકચાર

મૃતક મહિલાની હાર્ટની સારવાર ચાલી રહી હતી : બિમાર મહિલાને બંધ કરેલી દવા પીવડાવી દેવાયા બાદ ગભરામણ શરૂ થઈ ગઈ હતી : પરિવારજનોનો હોબાળો

સુરત,તા.૧૨ : શહેરની વિનસ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી વૃદ્ધ મહિલાનું મોત થયાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. મહિલાની હાર્ટની સારવાર ચાલી રહી હતી. જોકે સારવાર બાદ રજા આપ્યા બાદ દવા બદલવાનું કહી મહિલાને એક અઠવાડિયા પહેલાં દાખલ કરાઈ હતી. પરંતુ બંધ કરેલી દવા પીવડાવી દેવાયા બાદ માતાને ગભરામણ શરૂ થઈ ગઈ હતી. અને આઈસીયુમાં લઇ જવાયા બાદ તેને મૃત જાહેર કરી દેતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને લાશનું પી.એમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. સુરતમાં લાલ દરવાજાની ખ્યાતનામ વિનસ હોસ્પિટલમાં વૃદ્ધ મહિલાના મોત બાદ પરિવારે હોબાળો મચાવી ડોક્ટરની બેદરકારીથી મોત થયું હોવાનું આક્ષેપ કર્યો હતો. મૃતક મહિલાની હાર્ટની સારવાર ચાલી રહી હતી. રજા આપી દેવાયા બાદ દવા બદલવાનું કહી મહિલાને એક અઠવાડિયા પહેલા દાખલ કરાઈ હતી.

                  રવિવારે બંધ કરેલી દવા પીવડાવી દેવાયા બાદ માતાને ગભરામણ શરૂ થઈ ગઈ હોવાનું દીકરીએ જણાવ્યું હતું. એટલું જ નહીં પણ ડોક્ટરને જાણ કરાયા બાદ પમ્પિંગ કરી માતાને આઈસીયુમાં લઇ જવાયા બાદ તેને મૃત જાહેર કરી ડોક્ટરોએ હાથ ઉંચા કરી દીધા હતા. ભારે હોબાળો થતા પરિવારે ૪ વાર ૧૦૦ નંબર પર ફોન કર્યા બાદ રેલવે સ્ટેશન નજીક હોસ્પિટલ આવી હોવાનું જણાવતા લાલગેટ પોલીસ દોડી આવી હોવાનું પરિવારે જણાવ્યું હતું. મૃતક ઉમાબેનના પતિએ જણાવ્યું હતું કે એક મહિના પહેલા પત્ની ઉમાને હાર્ટની તકલીફ ઊભી થઈ હતી. જેથી તેને વિનસ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં સારવાર પૂરી થઈ જતા ઉમાને રજા આપી દેવાઈ હતી. જોકે, ત્યારબાદ છેલ્લા અઠવાડિયામાં ઉમાને છાતીમાં પાણી ભરાઈ જતા ફરી વિનસ હોસ્પિટલના ડોક્ટરનો સંપર્ક કરી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં કેટલીક દવાઓ ડોક્ટરોએ બંધ કરી દીધી હતી. વધુમાં જણાવ્યું હતું કે રવિવારની બપોરે સ્ટાફ નર્સે બંધ કરેલી દવા પીવડાવી દીધા બાદ ઉમાને ગભરામણ શરૂ થઈ ગઈ હતી.

(7:17 pm IST)