Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ભાજપની સાથે કોંગ્રેસ પણ બીજા તબક્કામાં કરશે લીમડી બેઠકના ઉમેદવારની જાહેરાત

અબડાસામાં ક્ષત્રિય મતદારોના વર્ચસ્વ સામે મુસ્લિમ-દલિત મતબેંકને સહારે બેઠક જીતવા માટે શાંતિલાલ સેંધણીની પસંદગીની ચર્ચા

ગાંધીનગર, તા. ૧રઃ રાજયમાં વિધાનસભાની આઠ બેઠકની પેટા ચૂટણીના લીમડી સિવાયની સાત બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે કોંગ્રેસ બે તબક્કામાં ઉમેદવારના નામ જાહેર કરશે, જેમાં પ્રથમ તબક્કામાં અબડાસા, મોરબી, કરજણ, અને ડાંગના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. દિલ્હી ખાતે રવિવારે બપોરથી કેન્દ્રિય ચૂટણી કમિટીની બેઠકમાં ધારી,ગઢડા, અને કપરાડા બેઠકના ઉમેદવારો નક્કી કરવાની મથામણ ચાલી રહી છે. લીમડીના ઉમેદવારની જાહેરાત ભાજપે બાકી રાખી હોવાથી કોંગ્રેસ પણ લીમડીના ઉમેદવારની જાહેરાત બીજા તબક્કામાં કરશે.

 કોંગ્રેસનાં આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ રવિવારે કોંગ્રેસની કેન્દ્રિય ચૂટણી પંચના સભ્યોની બેઠકમાં અન્ય રાજયોની સાથોસાથ ગુજરાતની આઠ બેઠકની પેટા ચૂટણીના ઉમેદવારીના નામને ફાઇનલ કરવાની કવાયત હાથ ધરાઇ હતી. ગુજરાતમાં કોંગ્રેસનાં આઠ ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફડયો હોવાથી આ પેટા ચૂટણીઆઙ્ખ યોજાઇ રહી છે ત્યારે કોંગ્રેસનાં નેતાઓ જાહેરમાં પ્રજાનો દ્રોહ કરનારાઓને આગામી ચૂટણીમાં મતદારો પાઠ ભણાવશે તેવું કહી રહ્યા છે, પરંતુ ઉમેદવારોની પસંદગીમાં કેટલીક બેઠક પર  સર્વસ્વીકૃત ઉમેદવાર પસંદ કરી શકતા નથી. મુખ્યત્વે આ તમામ બેઠકોમાં ભાજપના ઉમેદવાર તરીકે કોંગ્રેસ છોડી ગયેલા પૂર્વ ધારાસભ્યો જ મેદાનમાં ઉતરાયા છે.

સૂત્રો કહે છે કે, અબડાસામાં ક્ષત્રિય મતદારોના વર્ચસ્વ સામે મુસ્લિમ-દલિત મતબેંકને સહારે બેઠક જીતવા માટે શાંતિલાલ સેંધણીની પસંદગી થવી જોઈએ તેવું ઇચ્છી રહ્યા છે. મોરબીમાં પાટીદાર સમાજની નિર્ણાયક મતને ધ્યાનમાં રાખીને જયંતિભાઈ પટેલનું નામ નિશ્યિત મનાય છે. કરજણમાં હરીશ પટેલ અને ડાંગમાં ચંદરભાઈ ગામીતના નામ નિશ્યિત મનાય છે.

જોકે, ધારીમાં કોંગ્રેસનાં ધારાસભ્ય વીરજી ઠૂમ્મરના પુત્રી જેનિબેન અને સુરેશ કોટડીયા વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. ગઢડાના કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય પરવીન મારુએ રાજીનામું આપી દીધું છે, પરંતુ તેઓ ભજઓમાં જોડાયા નથી તેથી આ અનામત બેઠક માટે ભાજપે પૂર્વ મંત્રી આત્મારામ પરમારને મેદાનમાં ઉતરતા હવે કોંગ્રેસને આ બેઠક માટે સક્ષમ ઉમેદવાર તરીકે ભાણજીભાઈ સોસા કે મોહનભાઇ સોલંકીની પસંદગીમાં મુશ્કેલી પડી રહી છે. દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસનાં ગઢ સમાન કપરાડા બેઠકમાં ભાજપે આપેલા વચન મુજબ જીતુ ચૌધરીને ટિકિટ આપીને કોંગ્રેસને સીધો પડકાર ફેકયો હોવાથી આ બેઠક જાળવી રાખે તેવો ઉમેદવાર પસંદ કરવો કોંગ્રેસ માટે માથાના દુખાવા સમાન બની રહ્યું હોવાનું ઉમેરે છે.

લીમડીની બેઠક જીતવા માટે ભાજપે કોંગ્રેસનાં મત તોડે તેવા અન્ય ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની રણનીતિ અપનાવે તેવી આશંકાને પગલે ઉમેદવાર નક્કી કરવામાં જ્ઞાતિ -જાતિના સમીકરણોને આધારે નિર્ણય કરાશે.

(12:58 pm IST)